અનંતની યાત્રાAnant ni Yatra
પ્રાણ ચિકિત્સા દ્વારા આત્મ સાક્ષાત્કાર પાર્ટ 1

હાથને પ્રાણ શ્વસન દ્વારા સંવેદિત કરવા

ભાગ ૪૨ / ૭૫ · મૂળ PDF

આટલા આભ્યાસ વડે તમારા બંને હાથો પૂરતાં સંવેદિત બની ગયા હશે. તેમ છતાં પણ એવું લાગે કે સૂક્ષ્મ અવલોકન કરવા હાથ પૂરતાં સંવેદનશીલ નથી. ત્યારે હથેળી અને આંગળીઓનાં ટેરવાને હળવું દબાણ આપી-છોડીને હથેળીને ટેરવા પર એકાગ્રતા રાખી પ્રાણ શ્વસન ક્રિયા ૩ થી ૫ આવર્તન કરવાથી તેઓ પુનઃ સંવેદનશીલ બની જશે અને આંગળીથી સૂક્ષ્મ અવલોકન સચોટ રીતે કરી શકશો.

આંગળીઓ વડે સૂક્ષ્મ અવલોકન

હાથને સંવેદિત કર્યા પછી તમારી બે આંગળીઓ વડે તમારી બે હાથની હથેળીનું સૂક્ષ્મ અવલોકન કરો. હળવેથી આંગળીઓને આઘીપાછી કરો અને હથેળીની આંતરિક આભા અનુભવો. હથેળીની જાડાઈ અને હથેળીનાં આભામંડળનાં વિવિધ સ્તરોને તપાસો. આંગળીઓથી સૂક્ષ્મ અવલોકન કરવા માટે ટેરવાઓ પર થતી સંવેદનાઓનો અભ્યાસ કરી-કરીને સમજો.

હથેળીથી સૂક્ષ્મ અવલોકન કરતાં શીખ્યા તે પૂરતું નથી. નાનાં-નાનાં ભાગોની મુશ્કેલીઓને પારખવાનું શીખવા માટે ટેરવા અને આંગળાઓથી સૂક્ષ્મ અવલોકન કરવાની આદત પાડો. ટૂંકા ગાળામાં તે વધુને વધુ સંવેદિત થવાથી તેની સંવેદનશીલતા પણ વઘતી જશે જે સચોટ નિદાન માટે ખૂબજ ઉપયોગી સાબિત થશે. દા.ત. આંખોનું સૂક્ષ્મ અવલોકન કરવા તે ઉપયોગી બને છે.

અનુભવથી એવું જણાયું છે કે પ્રાણ શ્વસનની પ્રથમ પદ્ધતિ, ઊંડું શ્વસન-શ્વાસ લો. ૧ સુધી રોકો શ્વાસ છોડો. ૧ સુધી રોકો એ ચિત્તને શાંત કરવા અને ધ્યાનમાં બેસતાં પહેલાં ખૂબ જ ઉપયોગી છે. વિધાર્થીઓ તેનો ઉપયોગ વાંચવા બેસતાં પહેલાં કરે તો તેમની એકાગ્રતા અને શક્તિઓ જળવાઈ રહેશે. વચ્ચે વચ્ચે પણ તેનો પ્રયોગ કરવાથી લાંબો સમય થાક લાગ્યા વગર આનંદથી વાચી શકાય.

બીજી પદ્ધતિ ૭:૧:૭:૧ એ પ્રાણ ચિકિત્સકો માટે ખૂબજ ઉપયોગી છે. તેઓ ૭ સુધી શ્વાસ લઈને ૧ સુધી રોકી ફરી ૭ સુધી શ્વાસ લે છે તે વખતે વાતાવરણમાંથી તેમ જ ત્યારે જો ઉઘાડા પગે હોય તો વિપુલ પ્રમાણમાં પ્રાણ ખેંચીને તેમનાં સમગ્ર શરીર ઊર્જાદેહમાં ફેલાવી તેમનાં દર્દીઓનું પ્રાણ સિંચન કરી શકે છે.

જ્યારે ત્રીજી પદ્ધતિ ૬:૩:૬:૩. ખરેખર તેમનાં દર્દીઓને ચિકિત્સા દરમ્યાન અને ત્યારબાદ પણ લેવાનું શીખવી દે તો તેઓનાં દર્દીઓ ખૂબ ઝડપથી સાજા થઈ શકે છે. ખાસ કરીને દમનાં દર્દીઓ પર આનો ખૂબ જ સફળ ઉપયોગ કરવામાં આવ્યો હતો. વર્ષોથી એક જ રૂમમાં જીવતાં (વિશાળ ફલેટ આંબાવાડી વિસ્તાર, અમદાવાદમાં) હોવા છતાં એક જૂના દમનાં દર્દી ઉપર આની અજમાયશ કરવાથી, વારેવારે ઑકસીજન લેવાની જરૂર પડતી બંધ થઈ ગઈ. એક અઠવાડિયાની સારવાર બાદ તેઓ ઉભા થઈને બજારમાં આંટો મારી આવ્યા\! (વર્ષો બાદ). તેમનાં આનંદને તમે કલ્પી શકો છો?