અનંતની યાત્રાAnant ni Yatra
પ્રાણ ચિકિત્સા દ્વારા આત્મ સાક્ષાત્કાર પાર્ટ 1

પ્રાણવિજ્ઞાન

ભાગ ૫ / ૭૫ · મૂળ PDF

આમ જીવન શરૂ થયું. આજે વિજ્ઞાન પ્રમાણે જળમાંથી વાયુ છૂટો પડે છે. જે શ્વસનક્રિયા માટે આવશ્યક છે. અહીં જાણવું આવશ્યક છે કે શ્વાસમાં જો પ્રાણતત્વ ન લેવાય તો વેન્ટિલેટર ચાલુ હોવા છતાં માણસ મૃત્યુ પામે છે. એટલે કહી શકાય કે પ્રાણીને જીવન ટકાવવા માટે પ્રાણ સિંચન થવું જરૂરી છે. આ પ્રાણ આપણે શ્વસન દ્વારા મેળવીએ છીએ. આ ઉપરાંત આહાર અને પાણી મારફતે પણ પ્રાણ સિંચન થાય છે.

પ્રાણનાં મુખ્ય સ્ત્રોત સૂર્યપ્રકાશ, ચંદ્રપ્રકાશ, હવા, પાણી, આહાર વગેરે છે. વનસ્પતિ, વૃક્ષો પણ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશસંશ્લેષણક્રિયા દ્વારા પ્રાણવાયુ પૂરો પાડે છે. એ વિદિત છે ઘટાદાર વૃક્ષો પાસે જઇને વિનંતી કરીને પણ પ્રાણઊર્જા મેળવી શકાય છે. આમ શ્વાસ દ્વારા લેવાતી હવામાં રહેલો પ્રાણવાયુ લેવાય છે. અને ઉચ્છવાસમાં દૂષિત પ્રાણ બહાર નીકળી જાય છે. આનાં વડે ભૌતિક શરીર જીવતું રહે છે.

પ્રત્યેક ભૌતિક શરીરને એક વાયવીય શરીર (Etherical body)

અથવા પ્રાણદેહ અવશ્ય હોય છે. વાસ્તવમાં પ્રાણદેહ મુખ્ય (Positive) અને ભૌતિક શરીર (negative) ગૌણ ગણાય છે. કારણ કે પ્રાણદેહ મૃત્યુ પામતાં ભૌતિક શરીરની તમામ ગતિવિધિ શાંત થઈ જાય છે. એટલે કે તમામ માણસ મૃત્યુ પામે છે.

પ્રાણદેહ સામાન્ય રીતે જોઈ શકાતો નથી, પરંતુ તેને જોવાનો થોડો અભ્યાસ કરવાથી મોટાભાગનાં માણસો તેને જોવા શક્તિમાન થાય છે. સામાન્ય રીતે આ પ્રાણદેહ ભૌતિક શરીર ઉપર ચારથી છ ઈંચ જેટલો તેને પહેરાવેલી ખોળ જેવો હોય છે. કોઈપણ માણસ વધુ પડતો પરિશ્રમ કરવાથી પુષ્કળ ઠંડા કે ગરમ વાતાવરણમાં રહેવાથી બીમાર થવાથી કે અકસ્માતે ઝડપથી પ્રાણ ગુમાવે છે. હવે જો પ્રાણસિંચન પર્યાપ્ત ન થાય તો તે અશક્તિ, માંદગીનો અનુભવ કરે છે. જ્યારે ગુમાવેલાે પ્રાણ પાછો ન મેળવવામાં આવે તેવા કિસ્સાઓમાં માણસ મૃત્યુ પામે છે.

ગમતી વસ્તુઓ ગમતાં વિચારો, મનગમતું પુસ્તક વાચન પણ આપણને પ્રાણવાન બનાવે છે એ સુવિદિત છે. ઘણાં લોકોનો એવો અનુભવ હશે કે મનગમતી વસ્તુ, વ્યક્તિ મળી જતાંવેંત ખૂબ થાકેલાે માણસ ફરી તાજગીનો અનુભવ કરે છે. એ જ પ્રમાણે આલ્હાદક વિચારો કરવાથી પણ ઊર્જાવાન બની શકાય છે. થાકેલા માણસ ગમતાં ગીત, સંગીત ગાવા કે વગાડવાથી તાજાતર થાય છે. ઘણા સમયથી બીમાર લોકો પણ ગમતા પુસ્તકનું વાચન કરે અથવા ટીવી, મોબાઈલ વગેરેમાં મનભાવન કાર્યક્રમ જુએ તેનાથી સાજા થાય છે. આજકાલ આ બધી બાબતોનો ઉપયોગ હોસ્પિટલો અને ચિકિત્સકો – તબીબો કરે જ છે.

ઘણાં લાંબા સમયથી બીમાર વ્યક્તિઓને તબીબો કેટલીક વાર સ્થાનફેર કરાવે છે. તેઓને કોઈ ગિરિમથક કે સમુદ્ર તટની જગ્યાએ જઈને વસવાની સલાહ આપે છે. આવી જગ્યાઓમાં Land Filled Sites પર વસેલાં શહેરોની સરખામણીમાં પુષ્કળ પ્રમાણમાં શુદ્ધ પ્રાણ હોવાથી આવો સ્થાનફેર ખૂબ જ લાભદાયી સાબિત થતો હોય છે. બીમાર વ્યક્તિ આવા સ્થળોએ ઝડપથી સાજા થવાનાં અનેક દાખલા મોજૂદ છે. પરોઢિયે પ્રાણશકિત ખૂબ જ પ્રમાણમાં વાતાવરણમાં હોવાના કારણે સવારે ૪ થી ૭ નાં ગાળામાં ખુલ્લામાં ઝડપથી ચાલવાથી, કસરત વ્યાયામ કરવાથી પણ તાજગી અનુભવાય છે.