આહવાનીય પ્રાણચિકિત્સા – દિવ્ય ઊર્જા વડે ચિકિત્સા
આ ચિકિત્સાનો સર્વોચ્ય પ્રકાર છે. આવી ચિકિત્સા જવલ્લે જ થતી હોય છે એટલે એ અસાધારણ કહી શકાય. તેનાં પરિણામો પણ અદ્ભુત, અકલ્પનીય અને મોટા ભાગે સામાન્ય દર્દોમાં તત્કાલ પરિણામદાયી હોય છે. ઘણા માનસિક ઉપચાર કરનારા ચિકિત્સકો માનતાં હોય છે કે તેઓ આધ્યાત્મિક ઉપચાર કરે છે. પરંતુ તેઓની આ ભૂલ હોય છે. વાસ્તવમાં આહવાનીય પ્રાણચિકિત્સા કોઈ કરતું નથી એ તો બસ એમ જ થાય છે. આ પદ્ધતિમાં ચિકિત્સક એક માધ્યમ તરીકે હોય છે. જેના દ્વારા બ્રહ્માંડની અદ્ભુત ચિકિત્સા શક્તિઓનું અવતરણ અને પ્રતિસ્થાપન થતું હોય છે. એટલે કે ચિકિત્સક ખુલ્લા મન અને કરુણામય હૃદય વડે આવાહન કરીને વિશ્વશક્તિને પીડામુક્ત કરવા માટે પ્રાર્થના, પોકાર કરે છે, અને તે તેનું માધ્યમ બને છે જે તેનાં નિમ્ન માનસિક સુધી આવી દર્દીનાં નિમ્ન માનસિક સ્તરમાં તબદીલ થઈ તેનાં રોગિષ્ઠ અવયવોમાં સ્થાન પામી દુઃખ નિવારણ કરે છે.
આ પ્રકારની ચિકિત્સામાં ચિકિત્સક પોતે અતિ ઉચ્ચ પ્રકારનાં આધ્યાત્મિક સ્પંદનોમાં જાણે સ્નાન કરીને તેનો લાભ દર્દીને પણ અપાવે છે.
વ્યક્તિનું આધ્યાત્મિક મન અંતઃસ્ફુરિત મન અને બૌદ્ધિક મનનાં ઉપરનું હોય છે. સામાન્ય માનવીનાં મન હજુ એટલાં વિકસિત થયાં હોતાં નથી. અથવા તેમની ચેતનાનો વિકાસ એટલો નથી હોતો કે તેઓ આ ઉચ્ચ પ્રકારનાં આધ્યાત્મિક મનની ગતિવિધિને સમજી કે સંભાળી શકે. પરંતુ પ્રત્યેક જાતિમાં કેટલાંક માણસો આવી ક્ષમતાવાળા મળી આવશે. જેવી ચિકિત્સા આવી વ્યક્તિઓ સતત, અથાકપણે કરી સાતત્યપૂર્ણ પરિણામો લાવી શકે તેનાંથી સામાન્ય ચિકિત્સકો ખૂબ જ નીચેનાં સ્તરે કાર્યશીલ હોય છે.
પ્રાચીન સમયથી પ્રત્યેક જાતનાં લોકોએ જે ઉમદા કલ્યાણકારી વિચારો મેળવ્યા છે તે મનનાં આ ઉચ્ચતમ સ્તરથી આવેલા છે. ત્યાંથી જ ઉમદાપણું, ઉચ્ચ અને સાચી આધ્યાત્મિક સમજણ, કરુણા, માનવતા, ન્યાય, નિઃસ્વાર્થ પ્રેમ, દયા, સહાનુભૂતિ પ્રગટ્યાં છે. જેમ જેમ વ્યક્તિને ન્યાય વિષે સૂઝ પડે તેમ તે વધુ કરુણામય અને માનવીય બંધુત્વ, પ્રેમસભર બનતો જાય છે. હકીકતમાં શ્રેષ્ઠ ચિકિત્સકો જાણે અજાણે આવા જ જોવા મળશે.
આવાહનીય ચિકિત્સા માટે ચિકિત્સકે અત્યંત આદરભાવથી વિશ્વશક્તિનું આવાહન કરવું જોઈએ જે તેની સામાન્ય સમજ વડે સર્વશકિતમાનને આમંત્રિત કરી તેનાં દર્દીઓને લાભ અપાવવા ઈચ્છે છે. તેણે સૌપ્રથમ પોતાનાં શરીર અને ચિત્ત શાંત રાખવાનો અભ્યાસ કરવો, તેનાં મનમાંથી અન્ય દૈનિક, દુન્યવી ચિંતાઓને રજા આપવી જોઈએ. જેથી તેનું શરીર ચેતાતંત્ર અને સ્નાયુઓ આવા ઉચ્ચ શક્તિનાં સ્પંદનોનો ધોધ ઝીલી શકે. તે ચાહે તો દૂરથી અથવા દર્દીને સ્પર્શ કરીને આ દિવ્યશક્તિઓ દર્દીમાં સ્થળાંતરિત કરી શકે.
કેટલાક તેમનાં દર્દીઓને સ્પર્શ કરતાં નથી, જ્યારે કેટલાક સ્પર્શ કરીને ચિકિત્સા કરતાં હોય છે. આ સંજોગોમાં આપ આંતરિક માગદર્શનને અનુસરશો.
બાઈબલમાં જિસસ અને તેમનાં શિષ્યો આમ હાથ મૂકીને સાજા કરતાં હતાં. આ ચિકિત્સામાં હું ચિકિત્સા આપું છું વાળા વિચારને કાયમી રજા આપી દેશો. યાદ રાખશો તમે એક માધ્યમ જ છો દેવી કૃપાનું. ઘણાં અદ્ભુત ચિકિત્સકો તેમનાં અહંકાર અને ઘમંડને કારણે અગાઉનાં ઉમદા કાર્યોનું સત્યાનાશ વાળીને કાળની ગર્તામાં ધકેલાઈ નષ્ટ થઈ ગયા છે. આવાહનીય ચિકિત્સામાં હંમેશાં યાદ રાખો તમે સાજા કરતાં નથી, દિવ્ય શકિત સાજા કરે છે. તમે માધ્યમ જ છો.
ધ્યાન આપો, તમે જેટલાં આ વિશ્વશકિતનાં સ્ત્રોત વિષે સભાનતા કેળવશો તમારી ચિકિત્સાશક્તિ વધુ હશે. આ વિશ્વશક્તિની પાછળ અનંતની શક્તિઓ રહેલી છે. જેનાં તમે એક અણુમાત્ર છો. અણુનો અનંત શક્તિઓ સાથેનો સંબંધ તમારા લક્ષ્યમાં હંમેશા રાખીને ચિકિત્સા કરશો તો નિષ્ફળતાને કોઈ સ્થાન નથી. “સાચી શક્તિ એ જ પ્રાપ્ત કરશે જે એને શોધે છે\!”
નીચે મુજબની પ્રતિજ્ઞા કે મંત્રનો ઉપયોગ કરી શકાય. ચિકિત્સા શરૂ કરતાં પહેલાં તેનું મોટેથી કે મનમાં ઉચ્ચારણ, સ્મરણ કરવું.
“હે મહાન અનંત શક્તિ - જીવનજ્યોતનાં દાતા.
હું માત્ર એક ચિનગારી આપની ચિકિત્સા શક્તિઓનું આવાહન કરું છું. આ શક્તિઓ મારા માધ્યમથી વહીને .........નામ.......... ને શક્તિવાન બનાવી સાજો અને સંપૂર્ણ બનાવો. આપની શક્તિઓનું મારા દ્વારા વહન થાઓ જેથી તે જીવનઊર્જા, અને શક્તિ, જીવન મેળવે. તેનામાં આરોગ્ય, બળ અને નવજીવન પ્રગટે. મને આપની શક્તિનું માધ્યમ બનવા લાયક બનાવો અને સત્કાર્યમાં મારો ઉપયોગ થાવ. તમારા આરોગ્યવર્ધન કાર્યમાં શાંતિ પ્રવર્તો.