પ્રાણદર્શન
હા, પ્રાણને જોઈ શકાય છે. તેને આંખો વડે જોવાનો અનુભવ થઈ શકે છે. આ માટે શરૂઆતમાં ખુલ્લામાં જાઓ, ઘરની બાલ્કની કે ટેરેસ પર ચાલ્યા જાઓ. હવે સૂર્યથી વિરુદ્ધ દિશાના આકાશ તરફ ચહેરો રાખો. શાંત થાઓ, થોડા ઊંડા હળવા શ્વાસ લો અને દૃષ્ટિથી આકાશ તરફ જુઓ. આંખોને સામાન્ય રાખો. તનાવરહિત રીતે આકાશને જુઓ. તમે જયાં છો ત્યાંથી ૩ ફૂટ દૂરથી શરૂ કરીને આગળ આગળ જોતાં જાઓ. હળવા શ્વાસોચ્છવાસ ચાલુ રાખો.
કાંઈપણ દેખાયું? તે સૂક્ષ્મ દ્રવ્ય છે. શક્ય હોય ત્યાં સુધી આંખો પટપટાવ્યા વગર સ્થિર નજરે જુઓ... જોશો કે આખુંય આકાશ આ સૂક્ષ્મ દ્રવ્યથી ભરેલું છે. ક્યારેક શ્વેત, સોનેરી કણો તરતાં જણાશે. કાળા રંગનાં કણો, નાનાં સાપોલિયાંની દોડાદોડ અને આ બધામાં સૂક્ષ્મ સૂર્ય સમાન કણો ઝબુકતાં દેખાશે. આ જ તો છે પ્રાણદ્રવ્ય. જે શ્વસન દ્વારા આપણે અવિરત મેળવ્યા કરીએ છીએ. આ વાયવીય પ્રાણ અને સૂર્યપ્રાણ હોય છે.
ભૂપ્રાણ
ભૂમિમાંથી નીકળતાં પ્રાણને જોવા માટે શરૂઆતમાં ખુલ્લી જગ્યા જ્યાં પથ્થર, લાદી ન હોય તેવી કાચી જમીન પર ઊભા રહો. નજરને જમીનથી છ ઈંચ સુધીના વિસ્તારમાં રાખો. શાંત રહો, શ્વાસ લો અને મૂકો. થોડા સમય પછી ભૂમિમાંથી સોનેરી રૂપેરી કણોના ફુવારા નીકળતા જણાશે. સામાન્યત: ભૂપ્રાણ વાયવીય પ્રાણની સરખામણીમાં કેટલાક લોકો જ જોઈ શકે છે. તે થોડું મુશ્કેલ પણ છે. પરંતુ અભ્યાસ કરવાનું ચાલુ રાખતાં ભૂપ્રાણ પણ જોઈ શકાશે. થોડો વધુ અભ્યાસ કરવાથી ભૂપ્રાણ ગમે ત્યાં ગમે ત્યારે જોઈ શકશો. યાદ રાખો, જ્યારે ખુલ્લા પગે ચાલો છો ત્યારે કુદરતે બિછાવેલી આ અદ્ભુત પ્રાણિક જાજમ ઉપર આપ ચાલો છો અને પ્રત્યેક પગલે પગનાં તળિયા મારફતે આ પ્રાણ મેળવો છો. સભાનપણે ખુલ્લા પગે ચાલવાથી વધુ પ્રાણઊર્જા મળી શકે છે.
એક વધુ અભ્યાસ ઘરમાં બેસીને કરી શકાય. રાત્રે ઓરડામાં શાંતિથી બેસો. બધી લાઈટ બંધ રાખો. અંધારામાં જ બેસીને હળવા શ્વાસ લો અને આંખોને હળવેથી ખોલીને અંધારામાં જ ૨ થી ૫ ફૂટ સુધી જુઓ. આંખોને તાણશો નહીં. તમે જોશો કે થોડા અભ્યાસ પછી ઓરડામાં અંધારું નહીં લાગે. અનેકાનેક પ્રકાશનાં કણોનાં ઝબુકીયા જોવા મળશે. આનાથી ખૂબ જ શાંતિ મળશે.
હવે તમે તૈયાર છો. દરેક વસ્તુમાંથી નીકળેલા પ્રાણને જોવા માટે.
બસ કોઈપણ વસ્તુ પર નજર ફેરવો અને તેની સપાટીથી એકાદ ઈંચ દૂર જુઓ. લાંબા સમય સુધી આ અભ્યાસ કરવાથી જણાશે કે દરેક વસ્તુમાં પ્રાણ છે જ.
ઊર્જાદેહ (Aura) : અગાઉ જણાવ્યા મુજબ પ્રત્યેક વ્યક્તિ, (માણસ, પ્રાણી) ને પ્રાણદેહ હોય છે, જે સામાન્ય રીતે ચારથી છ ઈંચ જેટલા તેના ભૌતિકશરીરની ઉપર ખોળ ચડાવેલો હોય તેમ જણાય છે. આને વાયવીય
શરીર કે જીવદ્રવ્ય શરીર પણ કહે છે. કારણ કે પ્રાણનાં કણો એ જ જીવદ્રવ્ય છે. તંદુરસ્ત વ્યકિતનું જીવદ્રવ્ય શરીર છ ઈંચથી વધુ પણ હોય છે. સારા પ્રાણિક ચિકિત્સકનું (ઊર્જાદેહ – વાયવીય શરીર) જીવદ્રવ્ય શરીર એકથી દોઢ ફૂટ કે વધુ હોઈ શકે. જ્યારે મહાન સંતોના જીવદ્રવ્ય કે વાયવીય શરીર અતિ વિશાળ માઈલો સુધીનાં હોઈ શકે છે. આ વાયવીય શરીરને (Aura) ઓરા કે ઊર્જાદેહ પણ કહેવાય છે.
ઊર્જાદેહને જોવા માટે એક ભીંતથી એકાદ ફૂટના અંતરે કોઈ વ્યક્તિ, તમારા સાથી કે સહયોગીને ઊભા રાખો. સામાન્ય કુદરતી પ્રકાશ વધુ અનુકૂળતા આપશે. તેમને દીવાલ તરફ પીઠ રાખી તમારા તરફ ચહેરો રાખી શાંતિથી ઊભા રહેવા જણાવાે. હવે તેમનાથી દસેક પગલાં દૂર જઈને તેમની તરફ ચહેરો રાખી ઊભા રહો. શાંત થાઓ, શ્વાસ લો અને નજર તમારા સાથીનાં ખભા, મસ્તક, હાથથી થોડી ઉપર ઠેરવો. અને જુઓ. શું તમને તેમનાં દેહથી, મસ્તક ફરતે, હાથ ઉપર રૂપેરી રંગની ખોળ જેવું જણાય છે?
શરૂઆતમાં આ થોડું મુશ્કેલ લાગશે પરંતુ પુરતા અભ્યાસ પછી તેમે કોઈપણ વ્યક્તિનાં ઊર્જાદેહને જોવા સક્ષમ બનશો. સફેદ ભીંતને બદલે તેની પાછળ કાળા રંગનો પડદો પણ રાખીને અભ્યાસ કરી જુઓ. તમારી દૃષ્ટિ એક નવા આયામને જોવા તૈયાર થઈ જશે.
તમારા કે અન્ય વ્યક્તિનાં હાથનાં આંગળા પર પણ આ જ રીતે હથેળી, આંગળીઓથી થોડે ઉપર જોવાનો અભ્યાસ કરવાથી જણાશે કે ટેરવાંઓમાંથી ફૂવારા જેમ ઊર્જા બહાર આવતી જોઈ શકાય છે. સફળતા માટે સતત અભ્યાસ એ જ ચાવી છે.
આપણે જોયું કે ઊર્જાદેહ, જીવદ્રવ્ય શરીરનું સર્જન, ગઠન પ્રાણ કે જીવદ્રવ્યથી થાય છે. પુરાતન કાળથી આની જાણકારી લગભગ તમામ પ્રાચીન સંસ્કૃતિઓ, વસવાટો, કબીલાઓમાં હતી. જાદુગર, ચિકિત્સકનું કામ કરનારાઓ આ સત્યથી અનુભવ કરીને પોતાનું કામ કરતાં અને વારસામાં પુત્ર કે શિષ્યને આનું જ્ઞાન આપતાં. ચીન એ ચી (Chi), જાપાનમાં કી (Ki), પોલીનેશિયનમાં મના (Mana) અને ગ્રીક સંસ્કૃતિમાં એ ન્યુમા (Pnuma), યહૂદીઓમાં સહ નામથી જાણીતી હતી. પ્રાણિક હિલિંગ નામની ઊર્જા ઉપચાર પદ્ધતિ (energy medicine) ૧૯૮૦ દરમ્યાન ગ્રાંડ માસ્ટર ચોઆ કોક સુઈએ વિકસિત કરી. જેમાં પ્રાણ એ સંસ્કૃત શબ્દ જેનો અર્થ જીવનશક્તિ (Life Force) થાય છે. તેનો ઉપયોગ કરીને પુરાતન ભારતીય સંસ્કૃતિનું બહુમાન કર્યું છે. આજે પ્રાણિક હિલિંગ વિશ્વભરનાં ૧૨૦ થી વધુ દેશોમાં પ્રચલિત થઈ ચૂકી છે.
ભારતમાં તો પુરાણા સમયથી પ્રાણચિકિત્સા પરંપરાગત રીતે ચાલી આવી છે. અથર્વવેદમાં તો આના વિષે અનેક શ્લોકોમાં તેનું વિશ્લેષણ જોવા મળે છે. ભારતીય દર્શન શાસ્ત્રમાં પ્રાણને હિરણ્યગર્ભ તરીકે વર્ણવેલ છે. જે અદ્રશ્યમાન અને દ્રશયમાન જગતનું મૂળ છે ભારતમાં તો યોગ, પ્રાણ, આયુર્વેદ અને અનેક નાડીગ્રંથોમાં પ્રાણચિકિત્સા વિજ્ઞાનનું ગુહ્ય વર્ણન જોવા મળે છે.
યાદ છે એ દાદીઓ, પરદાદીઓ જે તે સમયે કુટુંબમાં કોઈને માંદગી-તાવ આવે ત્યારે બીમારને સાલ, ચાદર ઢાંકી, હાથમાં પાણી ભરેલો લોટો (કળશિયો) અને ચપટી મીઠું, હાથમાં લઈને, સાત વખત શરીર ફરતે ફેરવી પછી તેને બહાર લઈ ઢોળી આવતી.
મંદિરમાં પૂજારીબાબા પણ હાથમાં લીમડાની તાજી કાપેલી ડાળખી વડે બીમાર વ્યક્તિને ઝારી નાખતા અને ડાળખી સળગાવી દેતાં.
દરગાહમાં પીર-ફકીર પાસે બીમારને લઈ જતાં તે મોરપીંછથી બીમારને ઝારી કાઢતાં અને ફૂંક મારીને બીમારને સાજા કરતાં.
બાળક ને ઓરી આવે ત્યારે ૭ વડનાં પાન લઈ તેમાં કંકુ, ચંદન વગેરેથી મંત્ર લખી બીમાર બાળકના પારણે બાંધતાં અને બાળક સાજો થઈ જતો.
આવાં તો અસંખ્ય ઉદાહરણો આપી શકાય. પરંતુ આ બધું પરંપરામાં માતા પુત્રી કે વધુને અને પૂજારી પીરબાબા તેમનાં એકાદ શિષ્યને આ શીખવી દેતાં. ગુરુ રીમ્પોટિ શ્રી ચોઆ કોક સુઈ ફિલિપીન્સનાં ધનાઢ્ય ચીની વંશનાં કુટુંબમાં જન્મેલાં. ભણતરથી તેઓ કેમિકલ એન્જિનિયર (Chemical Engineer) અને સફળ બિઝનેસમેન હોવા છતાં તેઓની રુચિ વિશ્વની સમસ્યાઓ સુલઝાવવામાં જ હતી. તેઅોએ અઠંગ પરિશ્રમ કરીને અનેક પ્રાચીન સંસ્કૃતિઓનો તલસ્પર્શી અભ્યાસ કરીને તેનું હાર્દ સમજીને અનેક પ્રયોગો આદર્યા. ફળસ્વરૂપે આવ્યું પ્રાણિકહિલિંગ\! સને ૧૯૮૦ માં જેમાં તેઓએ પ્રાણશક્તિ સંસ્કૃત શબ્દનો ઉપયોગ કરી પોતાની પદ્ધતિ વિકસિત કરી. જુઓ એક Chemical Engineer ની તાલીમ પામેલું તીક્ષ્ણ દિમાગ કામે લાગ્યું પ્રાચીન ચિકિત્સાપદ્ધર્તિઓનાં પરીક્ષણ, અવલોકનમાં અને તેઓએ લોકોને સમજાય તેવી સરળ રજૂઆત સાથે પેશ કર્યું. પ્રાણિક હિલિંગ વિશ્વનાં આરોગ્યની સમસ્યાઓમાં સમાધાન આપતું અદ્ભુત વિજ્ઞાન અને કલાનું સંયોજન આજે તેમનાં આ અદ્ભુત યોગદાનની વિશ્વે નોંધ લઈ કદર કરી છે. વિશ્વનાં ૧૨૦થી વધુ દેશોમાં લાખો પ્રાણિક હિલિંગ પ્રેકટીશનર્સ દિન-રાત સેવાઓ પ્રદાન કરે છે.
Gratitude MCKS, આપે લખેલાં ચિકિત્સા અને અધ્યાત્મ ઉપરનાં પુસ્તકો આજે પણ ખૂબ લોકપ્રિય છે. નવા પ્રાણિક હિલર અને વધુ સારા મનુષ્ય બનવા પ્રોત્સાહિત કરે છે.