અનંતની યાત્રાAnant ni Yatra
પ્રાણ ચિકિત્સા દ્વારા આત્મ સાક્ષાત્કાર પાર્ટ 1

પ્રાણમાં વિકાર

ભાગ ૯ / ૭૫ · મૂળ PDF

હવે આ પ્રાણમાં વિકાર ક્યારે અને કેવી રીતે ઉત્પન્ન થતો હોય છે, તેને સમજીએ. ભારતીય દર્શનશાસ્ત્રો અને આયુર્વેદ ચિકિત્સાશાસ્ત્રોમાં તેની વિશદ-છણાવટ જોવા મળે છે\! વ્યકિતને જીવન દરમ્યાન ત્રિવિધ તાપમાંથી પસાર થવાનું થાય છે. તે દરમ્યાન શારીરિક, માનસિક અને લાગણીઓજન્ય મુશ્કેલીઓ અનુભવતો હોય છે. તેને ટૂંકમાં સમજીએ.

(૧) આધ્યાત્મિક તાપ (આંતરીક તાપ) એટલે કે આંતરીક સંઘર્ષ કે પડકારોનો વ્યક્તિ સામનો કરે છે. દા.ત, વિચારો, લાગણીઓ અને ઈચ્છાઓ.

– આંતરીક શંકાઓ અને સંઘર્ષનો સામનો કરતી વખતે.

(૨) આધિદૈવિક તાપ (દિવ્ય તાપ) એટલે કે બાહ્ય પડકારો અને મુશ્કેલીઓનો અનુભવ અને સામનો જે વ્યક્તિનાં નિયંત્રણમાં નથી.

દા.ત. કુદરતી આફતો, દુર્ઘટનાઓ જે પ્રાકૃતિક આપદારૂપે આવી પડે છે.

– પવન, પાણી, આગ, વરસાદ, પૂર, ધરતીકંપ, ઉલ્કાપાત

– દુર્ભાગ્ય, કમનસીબી,

(૩) આધિભૌતિક તાપ (બાહ્યતાપ) એટલે કે ભૌતિક અને બાહ્ય પરિબળોનો સામનો કરતી વખતે જેવી કે મુશ્કેલ પરિસ્થિતિઓ સંજોગોનો સામનો કરતી વખતે, મુશ્કેલીરૂપ વ્યક્તિ સાથેનાં પારસ્પરિક સંવાદ, ક્રિયા, પ્રતિક્રિયા દરમ્યાન અને પર્યાવરણીય અને સામાજિક પડકારોનો સામનો થાય તે દરમ્યાન અને ત્યારબાદ...

જ્યારે વ્યક્તિ પોતાની લાગણીઓ કે ગુસ્સાનું નિયંત્રણ કરવા પ્રયત્ન કરે છે, તે આધ્યાત્મિક તાપનું ઉદાહરણ છે. જ્યારે વ્યક્તિ અણધારી પરિસ્થિતિઓ કે કુદરતી આફતોનો સામનો કરે છે તે દરમ્યાન અને ત્યારબાદ પણ તે આધિદૈવિક તાપ છે. આ ઉપરાંત વ્યક્તિ ઓફિસમાં મુશ્કેલીરૂપ ઉપરી અધિકારી કે સહકર્તાઓની સાથે પારસ્પરિક ક્રિયાઓ પ્રતિક્રિયાઓ કરે છે. તે આધિભૌતિક તાપનું ઉદાહરણ છે.

આ તમામ પરિસ્થિતિઓમાં વ્યકિતની ઊર્જાનો પુષ્કળ પ્રમાણમાં વ્યય થતો જ હોય છે. હવે જો તેની ક્ષતિપૂર્તિ, ધ્યાન, ચિંતન, ટહેલવું, નિદ્રા લેવી, કસરત કરવી, પર્યાપ્ત, પૌષ્ટિક આહાર અને શુદ્ધ જળ, સૂર્યપ્રકાશ વગેરે દ્વારા ન મેળવે અથવા લાંબા સમય સુધી ઉપરોકત જરૂરિયાતોથી વંચિત રહી જાય તો તેનાં પ્રાણઊર્જાદેહને હાનિ પહોંચે છે પરિણામ સ્વરૂપ ભૌતિક શરીર પણ અસ્વસ્થ કે બીમાર પડે છે. વ્યક્તિને રહેવાનું સ્થળ, જે વિસ્તારમાં હોય તે જો શાંત, સ્વચ્છ ન હોય, ખૂબ જ ગીચ હોય, ઘોંઘાટીયું હોય તેની કામ કરવાની જગ્યા પણ જીવલેણ ગૅસવાળી, મશીનો – માણસોનાં ઘોંઘાટવાળી હોય, તીવ્ર પ્રકાશમાં લાંબો સમય કામ કરવાની ફરજ બજાવતો હોય, અતિ તીવ્ર વીજળીનાં દબાણવાળા વાયરો, ઉપકરણો પર કામ કરવું પડતું હોય, વેલ્ડિંગ, રંગ-રસાયણોનાં છંટકાવ જેવાં કાર્યોમાં જોડાયેલો હોય તેવા લોકોને અસ્વસ્થતા અને બીમારીઓ આવે છે.

II

પ્રાણશરીર કે જીવદ્રવ્ય શરીરમાં વિકાર ઉપરોક્ત બાબતો અને પરિસ્થિતિમાં ઉદ્ભવતી હોય છે. આ પ્રાણ શરીર સામાન્યતઃ ભૌતિક શરીર પર બધી બાજુથી આવૃત્ત કરનારી અવિરત ગતિશીલ ઊર્જાની એક ખોળનાં સ્વરૂપ હોય છે. જેમાં મુખ્યત્વે ત્રણ ભાગ સમજવા જોઈએ.

(૧) અંત: પ્રાણઊર્જા (Inner Aura) ઊર્જાદેહમાં, મધ્ય ભાગમાં આશરે બે થી ત્રણ ઈંચ જેટલી હોય છે. જેમ સૂર્ય પર હોય છે.

(૨) ઊર્જાકિરણો. (Health Ray) જેમ સૂર્યની સપાટી પરથી સૂર્યકિરણો નીકળી ધરતી સુધી આવે છે તેમ ઊર્જાકિરણો પણ પ્રત્યેક દિશામાં સીધી લીટીમાં પ્રસરતા હોય છે. જે આશરે ૪ થી ૬ ઈંચ શરીરની બહારના ભાગ સુધી આવે છે.

(૩) ઊર્જાકવચ : આ ઊર્જાદેહનો સૌથી બહારના ભાગની સપાટી પર એકત્ર થઈને ફરી અંદર તરફ ગતિ કરતાં હોય છે.

ઉદાહરણ રૂપે આ રચના કંઈક અંશે ફળના ગર્ભ વચ્ચેનો ફળનો માવો અને છેક પર તેની છાલ જેવા સમજવા.

જ્યારે કારણોવસાત આ પ્રાણઊર્જાનાં કિરણો પ્રાણશરીરમાં ઢીલી પડી જતાં વચ્ચે અવકાશ સર્જાય છે અને તેમાં બારીક કાણાં અને તિરાડો પડવા માંડે છે. (Holes & Crakes) જેના પરિણામે પ્રાણઊર્જા શરીરમાંથી બહાર વાતાવરણમાં વહેવા લાગે છે અને પ્રાણઊર્જાદેહનું માળખું શિથિલ થવા માંડે છે. જો આ પરિસ્થિતિ લાંબો સમય રહે કે તેની ચિકિત્સા ન થાય તો શારીરિક નબળાઈ લાગે છે.

આ ઉપરાંત પ્રાણઊર્જાદેહમાં ચોક્કસ જગ્યાએ ભરાવો થઈ ઊર્જા કિરણોમાં ગૂંચો પડવાથી ગાંઠો (Congestion) બની જાય છે. જેથી ભૌતિક શરીર ઉપર સોજાં આવી જાય છે. અન્ય એક સ્થિતિમાં ઊર્જાકિરણો અન્યત્ર વહી જવાથી તે જગ્યાએ ઊર્જાકિરણોની ઊણપ (Depletion) ઊભી થાય છે.

પ્રાણચિકિત્સક તેને સૂક્ષ્મ અવલોકન પદ્ધતિથી શોધી કાઢે છે (Scanning), અને અસરગ્રસ્ત જગ્યાએ શોધન – કે માર્જન (Cleaning) કરીને દોષમુક્ત બનાવી જરૂરી જણાય ત્યાં પ્રાણઊર્જા ઉજ્જવલન પદ્ધતિથી પુનઃસ્થાપિત કરે છે. આમ પ્રાણઊર્જાદેહની ચિકિત્સાની વિધિ છે.