અનંતની યાત્રાAnant ni Yatra
પ્રાણ ચિકિત્સા દ્વારા આત્મ સાક્ષાત્કાર પાર્ટ 2

૪. અનાહતચક્રઃ

ભાગ ૧૨ / ૪૪ · મૂળ PDF

અનાહતચક્ર પાંસળીઓમાં વચ્ચે આવેલું હોય છે. તેને ૧૨ સિંદૂરવર્ણી પાંખડી અને એક ત્રિકોણ ઉપર તરફ, બીજો નીચે તરફ એમ તારાનું ચિન્હ કેન્દ્રરૂપ હોય છે. પાંખડીઓમાં અંદર લીલા રંગનું વર્તુળ જેમાં ઉપરોક્ત સ્ટાર હોય છે. આ વાયુતત્ત્વવાળી અને કાળિયાર પર સવારી કરતાં વાયુદેવનું ચિન્હ તથા ત્રણ આંખો અને ચાર ચહેરાવાળા કાકિનીદેવી અને શિવના ઈશ સ્વરૂપવાળા દેવતાનું સ્થાન છે તેને ૫૪ આરા હોય છે.

આ ચક્ર કરોડમાં મધ્યમાં આવે છે. તેનાં ઉપર ત્રણ અને નીચે ત્રણ ચક્રો રહેલાં છે. આથી ઊર્જા સમતુલ્ય કરે છે. આ હૃદયકમળ સર્વનું સ્થાન કલ્પવૃક્ષ સમાન છે. તેનો અવિરત અનાહત નાદ ચાલતો હોય છે. આ ચક્ર ઇચ્છાપૂર્તિ અને આધ્યાત્મિક ચેતનાનું કેન્દ્ર છે. આ ચક્ર સૂક્ષ્મ પ્રાણ, જીવાત્મા અને પરાશક્તિ વિભુષિત હોય છે. આ ચક્ર વડે વ્યક્તિ અન્યનાં શરીરમાં પ્રવેશ કરતાં હોય છે. આ ચક્ર પર ધ્યાન કરનાર વ્યક્તિ સર્જન અને વિસર્જન કરી શકે છે. અહીં અસરદાર એકાગ્રતા કરી શકાય છે. તેનાં સબંધિત અવયવો હૃદય, ફેફસાં અને થાયમસ ગ્રંથિ છે.

આ ચક્રનાં સક્રિય થવાથી હૃદય દિવ્ય પ્રેમ પામીને પ્રેમરૂપ થતાં અનંતવ્યાપી થઈ જાય છે. આ ચક્ર પ્રેમનું કેન્દ્ર હોવાથી જો સક્રિય હોય તો વ્યક્તિ મૈત્રીપૂર્ણ અને કરુણામય હોય છે. જો મંદ સક્રિય હોય તો વ્યકિત ઠંડો અને અમૈત્રીપૂર્વક વર્તે છે. પરંતુ જો વધુ પડતું સક્રિય હોય તો તેનો પ્રેમભાવ ઘેલછા જેવો હોય છે.

૫. વિશુદ્ધિચક્રઃ

વિશુદ્ધિ એટલે પવિત્ર. આ ચક્ર ગળામાં ખાડામાં આવેલ છે જેમાં ૧૬ પાંખડીઓ પરપલ રંગ ધરાવે છે. આ ચક્રનું તત્ત્વ વાયુ, પંચમુખી શાકિની અને શ્વેત હાથી તેમજ પંચમુખી સદાશિવ-ગૌરી દેવી દેવતા અને ૭૨ આરા ધરાવે છે. પાંખડીઓમાં શ્વેત વર્તુળ આકાશ દર્શાવે છે. અહીં વિશુદ્ધિમાં જાગરણ અસ્પષ્ટ વરતાવાનું શરૂ થાય છે.

વિશુદ્ધિ ચક્ર શુદ્ધિકરણનું કેન્દ્ર છે અને ઉચ્ચ વિચક્ષણતા, સર્જનાત્મકતા અને સ્વ અભિવ્યક્તિ સાથે સંકળાયેલું છે. તે વાક્ શક્તિ, તંદુરસ્તી, શકિત, શાંતિ, જ્ઞાન અને ગૂઢ રહસ્યવિદ્યા સાથે જોડાયેલું છે. આ ચક્ર પર ધ્યાન કરવાથી વ્યક્તિ ત્રિકાળદર્શી અને ત્રણે લોકમાં વિચરણ કરવાની ક્ષમતા મેળવે છે. તે ત્રણે લોકમાં ફરી શકે છે. અને ભય દૂર કરે છે. બ્રહ્મા, વિષ્ણુ, શિવ, ગણપતિ અને સૂર્ય પણ તેનો પ્રતિકાર કરતાં નથી તેના સબંધિત અવયવો ગળું, સ્વરપેટી અને થાયરોઈડ છે.

આ ચક્ર વાણી અને દૃષ્ટિકોણની રજૂઆતનું કેન્દ્ર છે. જો આ ચક્ર ખુલ્લું સક્રિય હોય તો વ્યક્તિ નિ:સંકોચ રજૂઆત કરી શકે છે પરંતુ મંદ સક્રિય હોય તો તે શરમાળ બને છે. જુઠું બોલનારનું આ ચક્ર રૂંધાઈ જાય છે. તે વધુ પડતું સક્રિય હોય તો કોઈનું ન સાંભળનાર અને અતિ વાચાળ હોય છે.