ભાગ ૧ — વૈરાગ્ય પ્રકરણ · ભાગ ૫
તેઓ તો સૂર્યનાં તેજ ને પણ પ્રકાશ આપનાર છે.
વળી તે સર્વના પ્રત્યાગાત્મારૂપે, સર્વદા બોલનાર વિચાર કરનાર, કર્મનો ફળોને ભોગવનાર જોનાર, કરનાર છે.
એ પરમાત્મા જગતમાં વિદ્યમાન છતાં પણ પામર લોકોની દૃષ્ટિથી અવિદ્યમાન છે.
અને દેહમાં રહેલાં છતાં દૂર છે.
જેમ સૂર્યથી પ્રકાશ થાય છે તેમ એમનાથી આ પ્રપંચ થાય છે.
જેમ સૂર્યથી કિરણો થાય તેમ વિષ્ણુ આદિ દેવતાઓ એમનાથી થાય છે.
જેમ સમુદ્રમાંથી પરપોટા થાય તેમ એમનામાંથી અનંત બ્રહ્માંડો થાય છે, લય પામે છે.
દીવાની પેઠે એ પોતે જ પોતાને તથા સર્વ પદાર્થોમને પ્રકાશીત કરે છે.
આકાશમાં, શરીરોમાં, પથરાઓમાં, જળમાં, લતાઓમાં, રજમાં, પર્વતોમાં, વાયુઓમાં અને પાતાળોમાં એ જ રહેલાં છે.
પોતપોતાનાં કાર્યો માં લાગેલી આઠ પુરીઓને (કર્મેન્દ્રિયોને, જ્ઞાનેન્દ્રિયોને શબ્દાદિકને, પ્રાણોને, અવિધાને, કામને, કર્મોને, અને અંતઃકરણને) એ જ પોતાનાં ચૈતન્યથી વ્યાપ્ત કરી દે છે.અત્યંત વિસ્તીર્ણ એ પરમાત્મામાં બ્રહ્માંડો રૂપી મોજાઓ ક્ષણમાં ઉઠે છે અને લય પામે છે એ પરમાત્મા પ્રપંચરૂપે નાશવાન છે.
વાસ્તવમાં અવિનાશી છે.
તે સર્વ પદાર્થોમાં રહેલાં છે, અત્યંત સુક્ષ્મતમ પણાને લીધે ગુપ્ત છે.
તેથી સર્વના નાશથી પણ તેમને નાશ નથી.
પ્રત્યેક દેહરૂપી ડાબલાઓમાં ચૈતન્યાત્મક મણિરૂપે એ જ પ્રકાશે છે.
સઘળી વસ્તુઓ એમનાં પ્રકાશથી જ પરસ્પર મળીને વિચિત્ર કાર્યો ઉત્પન્ન કરે છે.
આ જગતમાં સર્વ પદાર્થો મિ્થ્યા છે.
છતાં પણ એમની સત્તાથી જ તે સત્તાવાન જણાય છે.
શાંત રીતે સ્વરૂપમાં જ રહેલાએ પરમાત્મા અસંગ છે, એ કશું ઈચ્છતા નથી.
તો પણ એમની સઘળી વસ્તુઓ એમના પ્રકાશથી જ પરસ્પર મળીને વિચિત્ર કાર્યો ઉત્પન્ન કરે છે.
એમની સમીપતાથી જ આ અત્યંત જડ શરીર ચાલ્યા કરે છે.
વાસ્તવિક સત્તાવાળા એ પરાત્મા થી જ નિયમ, દેશ, કાળ, ચલન, સ્પંદન અને ક્રિયા એ સૌને સત્તા મળેલી એ પરમાત્મા શુદ્ધ જ્ઞાન સ્વરૂપ અને અધિષ્ઠાન સ્વરૂપ છે.
તેથી આપણે તેમને આકાશરૂપ ધારીએ તો તે આકશરૂપ થાય છે.
બીજા પદાર્થોરૂપ ધારીએ તો એ બીજા પદાર્થોરૂપ થાય છે.
એ પરમાત્મા મોટા મોટા બ્રહ્માંડો અનંત સમુહોને ઉત્પન્ન કરે છે, તો પણ તે કોઈ ક્રિયાઓને કરતાં નથી.
તે તો અખંડ જ્ઞાનમય અને નિર્વિકાર છે.
ઉત્પત્તિ - સ્થિતિ આદિથી રહિત એવાં પોતાના સ્વરૂપમાં જ એકલાં જ રહેલાં છે.વશિષ્ઠ બોલ્યાં : સર્વોત્તમ અને ઈન્દ્રિયોને પણ પ્રકાશ આપનારા એ પરમાત્માનો લાભ તેમના સ્વરૂપને જાણવા જ થાય છે.
ક્રિયાઓ કરવાનાં અનેક દુઃ ખો વેઠવાથી તે પ્રાપ્તિ થતી નથી.
માત્ર તેનાં અધિષ્ઠાન ને જાણવાનો જ ઉપયોગ છે.
તેમ આ જગતરૂપ ભ્રાંતિને ટાળવામાં પણ કોઈ ક્રિયાઓનો ઉપયોગ નથી, માત્ર તેનાં અધિષ્ઠાન રૂપ પરમાત્માને જ જાણવાનો ઉપયોગ છે.
સ્વરૂપાનંદ ના પ્રકાશ રૂપ એ પરમાત્મા દુર નથી તેમ પાસે પણ નથી.
તે અલભ્ય સ્થળમાં નથી તેમ વિષમ સ્થળમાં પણ નથી.
તેમની પ્રાપ્તિ આપણા દેહમાંથી જ તાય છે.
એમને જાણવામાં તપ, દાન, વ્રત વગેરે કાંઈપણ કામ આવે એમ નથી.
કારણ કે સ્વરૂપ માત્રમાં વિશ્રાંતિ વિના એને જાણવાનું બીજું કોઈ સાધન નથી.
સ્વરૂપમાત્રમાં એ વિશ્રાંતિ સત્પુરુષોના સમાગમમાં રહેવાથી અને ઉત્તમ શાસ્ત્રોમાં તત્પર રહેવાથી જ મળે છે.
મોહજાળરૂપી અજ્ઞાનને દુર કરવામાં કોઈ ક્રિયા કામ આવતી નથી માત્ર જ્ઞાન જ કામ આવે છે.
માટે જ્ઞાનનું જ સંપાદન કરવું. ‘એ પરમાત્મા આ છે.’ એમ સારી રીતે જાણવા માત્રથી જીવને દુઃખ રહેતું નથી અને જીવનમુક્તિની પ્રાપ્તિ થાય છે.રામ બોલ્યા : એ પરમાત્મનાં સ્વરૂપને કેવળ જાણવામાં આવે તો જીવને મરણ આદિ દોષો કદી પણ બાધ કરતાં નથી.
તો તેમની પ્રાપ્તિ શી રીતે થાય તે કહો.વશિષ્ટ બોલ્યા : હે રામ \! પોતાના જ પુરુષ પ્રયત્નથી પ્રફુલ્લિત થયેલાં વિવેક વડે જ એ દેવ જાણવામાં આવે છે.
તપથી, તીર્થસ્થાનથી કે બીજાં કર્મોથી તે જાણવામાં આવતાં નથી.
રાગ, દ્વેષ, મોહ, ક્રોધ, મદ અને મત્સર છોડ્યા વિના જે તપ કે દાન કરવામાં આવે છે તે તો એક જાતનો ક્લેશ જ છે.
એમાંથી કાંઈ વળે એમ નથી.
ચિત્ત રાગ દ્વેષ થી બગડેલું હોય અને કોઈને ઠગીને મેળવવામાં આવેલાં ધનનું દાન કરવામાં આવે છે તો તે ધન જેનું હોય તેને એ દાનનું ફળ મળે છે.
ચિત્ત, રાગ આદિથી હણાયેલું હોય ત્યારે જે વ્રત આદિ કરવામાં આવે છે તે એક જાતનો ઢોંગ છે. માટે પુરુષાર્થ કરીને ઉત્તમ શાસ્ત્રનો સંગ અને મહાત્માઓનો રંગ એ બે મુખ્ય ઔષધોનું જ સેવન કરવું.
એ ઔષધો થી સંસારરૂપ રોગનો નાશ થાય છે.
સઘળાં દુઃ ખોનો ક્ષય કરીને પરમપદની પ્રાપ્તિમાં એક પુરૂષાર્થ સિવાય બીજો કોઈપણ ઉપાય નથી.
હવે આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે કેવો પુરૂષાર્થ ઉપયોગી થાય છે તે સાંભળો.
લોકથી અને શાસ્ત્રથી વિરુદ્ધ હોય નહીં એવી શક્ય આજીવિકાથી મનમાં સંતોષ રાખવો અને ભોગનાં અભિનિવેશનો ત્યાગ કરવો.
શક્તિ પ્રમાણે અને યોગ્ય રીતે આજીવિકા માટે ઉદ્યોગ કરવો. ‘કેમ થશે’ એવી ચિંતા ન રાખવી અને પ્રથમ મહાત્માઓના તથા ઉત્તમ શાસ્ત્રના સંગમાં તત્પર રહેવું.
જે પુરુષ યોગ્ય વૃત્તિથી મળતાં ધનમાં સંતોષ રાખે છે અને સત્પુરુષોનાં સમાગમમાં તથા ઉત્તમ શાસ્ત્રોમાં તત્પર રહે છે, તે પુરુષ તરત મુક્તિ પામે છે. જેણે વિચારથી આત્મતત્ત્વને જાણ્યું હોય છે, તે મહા બુદ્ધિશાળી પુરુષને આ બ્રહ્મા, વિષ્ણુ અને શંકર પણ કંગાળ લાગે છે.
વૈરાગ્ય આદિ ગુણોની સંપ્તિત હોય તેને ‘સાધુ’ સમજવો, અને પ્રયત્ન કરીને એવા સાધુનો આશ્રય કરવો.
બ્રહ્મ્ વિદ્યા સઘળી વિદ્યાઓમાં મુખ્ય છે.
જેમાં તેનું વર્ણન આવતું હોય તે ઉત્તમ શાસ્ત્ર કહેવાય.
એવા શાસ્ત્રનો વિચાર કરવાથી મુક્તિ મળે છે.
યોગનાં અભ્યાસથી યોગીઓની બુદ્ધિ બહાર ભટકતી અટકે છે.
તેમ ઉત્તમ શાસ્ત્રના તથા સાધુઓનાં સંગથી વિવેક પ્રાપ્ત થાય છે અને અવિદ્યા નાશ પામે છે.રામ બોલ્યા : હે બ્રહ્માન્ \! એ દેવનાં જ્ઞાનથી મુક્તિ થાય છે તો એ દેવ કયાં રહે છે અને મને તેની પ્રાપ્તિ શી રીતે થાય ? આ તમે મને કહો.વશિષ્ઠ બોલ્યા : મેં જે દેવ વિષે કહ્યું છે તે દેવ દુર રહેતાં નથી, પણ સર્વદા શરીરમાં જ રહે છે.
તે ચૈતન્યમાત્ર છે.
સઘળું જગત એ દેવમય છે.
પણ એ દેવ સઘળાં જગતમય નથી.
એ દેવ સર્વમાં વ્યાપક છે અને એક જ છે.
એમાં જગતનો લેશ પણ નથી.
સદાશિવ ચૈતન્યમાત્ર છે.
વિષ્ણુ ચૈતન્યમાત્ર છે.
સૂર્યે ચૈતન્યમાત્ર છે અને બ્રહ્મા પણ ચૈતન્યમાત્ર છે.રામ બોલ્યાં : બાળકો પણ કહે છે કે આ જગત ચૈતન્યમાત્ર (જીવરૂપ) છે તમે પણ એમ જ કહો છો તો આ વાતમાં અપૂર્વ ઉપદેશપણું શું આવ્યું છે ?વશિષ્ઠ બોલ્યાં : હે રામ \! તમે જીવને ચૈતન્ય સમજીને જગતને તે રૂપ સમજ્યાં છો આથી હજી સંસાર નો નાશ થાય એવી વાત કંઈ જ સમજ્યાં નથી.
હે રામ \! આ સંસારરૂપ જીવ પશુ કહેવાય છે તો તે ચૈતન્યમાત્ર દેવ હોય ખરો ? એ જીવ તો દેહ ગ્રહણ કરીને જરા તથા મરણ આદિ અનેક ભયને ભોગવે છે.
એ જીવ નિરાકાર છે, તો પણ અજ્ઞાની છે અને દુઃખનાં પાત્રરૂપ છે.
તેથી તેને ચૈતન્યમાત્ર દેવ કેમ કહેવાય ? જીવ પોતે ચેતનશક્તિવાળો હોવાથી અનર્થરૂપ મનને જાગૃત કરે છે અને પોતે મનરૂપ થઈને રહે છે, એટલે તે દુઃખના પાત્ર જ છે.
વિષયોથી રહિત અથવા વિષયયુક્ત એવી એની સંપૂર્ણ સ્થિતિ છે.
જેને જાણવાથી મનુષ્ય ને શોક કરવો પડતો નથી અને કૃતાર્થ પ્રાપ્ત કરે છે.
જ્યારે સઘળાં કારણોનાં કારણરૂપ એવા પરમસ્વરૂપ નો અનુભવ થાય છે, ત્યારે જડતા તથા ચૈતન્યનાં અધ્યાસરૂપ ગાંઠ છુટી જાય છે.
સઘળા સંશયો ભેદાઈ જાય છે અને સઘળાં કર્મોનો ક્ષય થાય છે.
જીવ જે વિષયો તરફ ખેંચાય છે તે વિષયોનો અભાવ કર્યા વિના રોકી શકાય એમ નથી અને પ્રત્યક્ષ દેખાતાં વિષયોનો અભાવ જ્ઞાન વિના થાય એમ નથી.
તો પછી જ્ઞાન વિના મોક્ષ પણ ક્યાંથી થાય ? અરે સમાધિ પણ દૃશ્ય વિષયોના બાધ થી થાય તો પછી મોક્ષમાં દૃશ્ય વિષયોનો બાધ અતિ આવશ્યક જ છે.ચેતનરૂપવાળા અનવે જન્મ મરણનાં જંગલમાં ભટકતાં આ જીવન જેઓ આત્મા માને છે તેઓ પંડિત છતાં મૂર્ખ છે.
જીવ ચેતન છતાં સંસારરૂપ છે અને દુઃ ખનો સમુહ છે.
માટે એ જાણવાથી કોઈપણ ઠેકાણે કોઈ પણ તત્ત્વ જાણવામાં આવે તો સઘળાં દુઃખોનો સમુહ શાંત થઈ જાય છે.રામ બોલ્યાં : હે બ્રહ્માન્ \! મને પરમાત્માનું ખરું સ્વરૂપ કહો કે જે જાણવાથી મારુંમન સર્વ મોહને તરી જાય.વશિષ્ઠ બોલ્યા : આપણું જ્ઞાન એક પ્રદેશમાંથી પલકવારમાં બીજા પ્રદેશમાં પહોંચે છે.
તે વખતે તે બંને પ્રદેશનાં સંબંધથી રહિત એવું જે તેનું વિષય સ્વરૂપ પ્રતીત થાય છે.
તે પરમાત્માનું સ્વરૂપ છે, જે જ્ઞાનરૂપી મહાસાગરમાં સંસાર નાશ આદિ કોઈ વિકારોને પ્રાપ્ત થયા વિના પણ અત્યંત અભાવ પામે છે.
તે દ્રષ્ટા અને દૃશ્ય નો ક્રમ જેમ ને તેમ રહ્યાં છતાં જે તે વિશે અસ્ત પામી જાય છે.
અને જે ભરપૂર છતાં પણ સઘળી કલ્પનાઓને અવકાશ આપે છે, તે પરમાત્માનું સ્વરૂપ છે.
જે અશૂન્ય છતાં પણ શૂન્ય જેવું પ્રતીત થાય છે, જે પોતાનામાં અનંત બ્રહ્માંડો રહેતાં હોવા છતાં પણ તેમનાથી રહિત છે, જે મહાજ્ઞાનમય છતાં આપણા વૃત્તિ જ્ઞાનની પેઠે ચલિત ન થતાં અવિચળ રહ્યું છે, જેમાં જડ તથા ચેતનરૂપ સઘળાં જગતનો સમાવેશ થાય છે તે પરમાત્માનું સ્વરૂપ છે.
બહારનાં તથા અંદરના વિષયો સહિત આ સઘળું જગત જેની સત્તાથી સત્તા પામ્યું છે, તે પરમાત્માનું સ્વરૂપ છે.
જેમ પ્રકાશથી દેખાવ જુદો પડતો નથી, આકાશ થી શૂન્યપણું જુદું પડતું નથી.
તેમજ આ જગત કલ્પિત હોવાને લીધે જેનાં સ્વરૂપથી જુદું પડતું નથી, તે પરમાત્માનું સ્વરૂપ છે.રામ બોલ્યા : જે પરમાત્મા જોવામાં આવતાં નથી તે જ એક સત્ય છે એ કેવી રીતે જાણી શકાય અને આ જગત આટલું પ્રત્યક્ષ દેખાવા છતાં મિથ્યા છે તે શી રીતે મનમાં ઉતરે ?વશિષ્ઠ બોલ્યાં : આ જગતરૂપી ભ્રમ- જેમ આકાશમાં લીલા, કાળા રંગ ભ્રમને લીધે ન હોવા છતાં જોવામાં આવે છે તેમ જ ઉત્પન્ન થયો છે.
હવે જો તેના અત્યંત અભાવનું જ્ઞાન દૃઢ રીતે થાય તો તેનું અધિષ્ઠાન બ્રહ્મ સ્પષ્ટ જાણવામાં આવે છે.
બીજા કોઈ ક્રિયાથી તે જાણાતું નથી.
દૃશ્યનાં અત્યંત અભાવને દૃઢ કર્યા વિના બ્રહ્મને જાણવાનો બીજો કોઈ પણ સારો ઉપાય નથી.
જેવી સ્થિતિમાં છે તેવી જ સ્થિતિમાં રહેલાં આ જગતનો અત્યંત અભાવ સમજાય તો જ તેનાં અધિષ્ઠાનરૂપ પરમાત્મા બાકી રહે છે.
જે આ જ્ઞાનથી સમજે છે, ેત પોતે પરમાત્મારૂપ થાય છે.જ્યાં સુધી જગત પોતાની સત્તાવાળું દેખાય ત્યાં સુધી બુદ્ધિમાં જગતનું પ્રતિબિંબ પડ્યા વગર રહેતું નથી.
આથી જગતનો અત્યંત અભાવ કરવાથી બુદ્ધિમાં તેનું પ્રતિબિંબ પડતું નથી અને તેમ થયા પછી જ બુદ્ધિમાં બ્રહ્મનું પ્રતિબિંબ પડે છે.
માટે આ જગતનો અભાવ થયા વિના બુદ્ધિમાં બ્રહ્મનું પ્રતિબિંબ પડે જ નહીં.
આ ‘જગત’ નામનો પદાર્થ મિથ્યા જ છે, એમ નિશ્ચય કર્યા વિના કોઈ માણસ કદી પણ પરમતત્ત્વને સમજી શકે નહિં.રામ બોલ્યા : હે મુનિ \! આટલું બધું બ્રહ્માંડરૂપ જે દૃશ્ય છે, તેમાં તેની પોતાની સત્તા નથી પણ બ્રહ્માની સત્તા છે એમ આપે કહ્યું પણ તે મનમાં કેવી રીતે ઉતરે ? જેમ સરસવના પેટમાં મેરુ પર્વતનો સમાવેશ અસંભવિત છે તેમ અત્યંત સૂક્ષ્મ એવા બ્રહ્મમાં આવડા મોટા બ્રહ્માંડ કેવી રીતે ?વશિષ્ઠ બોલ્યાં : તમે થોડા દિવસ આ બોધને શ્રવણ કરો.
બોધ થયા પછી તમને દૃશ્ય પણ અબાધિત રહેશે નહીં.
દૃશ્યનો અભાવ થશે એટલે દૃશ્યપણું પણ શાંત થઈ જાય છે અને કેવળબોધ એટલે જ્ઞાન અવશેષ રહે છે.
જો દૃશ્ય છે તો જ દૃષ્ટા છે અને જો દૃષ્ઠા છે તો જ દૃશ્ય.
આમ એક હોય તો જ બે થાય અને જો બે હોય તો જ એક હોય જ.
બંનેમાંથી એકનો અભાવ થતાં બંને અસિદ્ધ થઈ જાય છે.
ત્યારે જ પરમાર્થ વસ્તુ અવશેષ રહી જાય છે.જે પદાર્થ પોતાની સત્તા વિનાનો હોય તેને ભાવ હોતો નથી અને જે પદાર્થ પોતાની સત્તાવાળો હોય તેનો અભાવ હોતો નથી.
અહીં આ જગત પોતાની સત્તા વિનાનું હોવાથી ભાવવિનાનું છે.
આ જગત મૂળે ઉત્પન્ન જ થયું નથી.
છતાં તે આ જે વિશાળતાવાળું દેખાય છે તે નિર્મળ પરમાત્મામાં જ દેખાય છે અને પરમાત્માની સત્તાથી જ તે સત્તાવાળું છે.
જેમ કડું સુવર્ણથી જુદું નથી તેમ આ જગત બ્રહ્મ થી જુદું ઉત્પન્ન થયું નથી.
એટલે બ્રહ્મથી જુદું નથી અને બ્રહ્મ થી જુદું જોવામાં આવતું પણ નથી.
જેમ કડામાં સુવર્ણપણાની બુદ્ધિ કરવાથી કડાપણું રહેતું નથી તેમ જગતમાં બ્રહ્મબુદ્ધિ કરવાથી જગતપણું રહેતું નથી.
જેમ રણમાં જળ હોતું નથી, આકાશમાં વૃક્ષ હોતું નથી તેમ આ ભ્રાંતિરૂપ જગત મૂળમાં છે જ નહિ.
હે રામ \! આ જે જોવામાં આવે છે તે અખંડિત બ્રહ્મ જ છે.
આત્મજ્ઞાનનું નિરૂપણ કરનારા શાસ્ત્રોમાં આ સુંદર મહારામાયણ યોગવશિષ્ઠ જ સર્વોત્તમ શાસ્ત્ર છે.
આ ગ્રંથ સાંભળવાથી પોતાની મેળે જ અભય જીવત્મુક્તાનો ઉદય થાય છે, તેથી આ ગ્રંથ જ અત્યંત પવિત્ર છે.જીવત્મુક્તનાં લક્ષણ તથા આત્માનું સ્વરૂપ :વશિષ્ઠ બોલ્યાં : જેઓ આત્મામાં જ ચિત્ત રાખીને તથા આત્માની પ્રાપ્તિને અર્થે જ જીવવનો વ્યાપાર રાખીને એકબીજાને સમજાવ્યા કરે છે.
સર્વદા બોધની વાતો જ કર્યા કરે છે અને એમાં જ સંતોષ પામે છે, આનંદ ધરે છે તે જ્ઞાનમાં જ એકમાત્ર નિષ્ઠા રાખનારા તથા આત્મજ્ઞાનનો જ વિચાર કરવાવાળા મનુષ્યોને જીવનમુક્તિ પ્રાપ્ત થાય છે અને તે વિદેહમુક્તિ સમાન છે.વ્યવહાર કરતાં છતાં પણ આ જગત્ જેવું છે તેવું રહ્યા છતાં પણ જેની દૃષ્ટિમાં જગત આકાશની પેઠે શૂન્ય થઈ જાય તે જીવનમુક્ત કહેવાય છે.
સર્વદા એક નિષ્ઠાથી જ રહેનારા જે પુરુષ જ્ઞાનમાં જ રત રહે છે અને વ્યવહારો કરે છે, જેઓ જાગૃતમાં પણ સુષુપ્તિવાળાની પેઠે નિર્વિકારપણાથી રહે છે.
તે જીવનમુક્ત કહેવાય છે.
સર્વદા એકનિષ્ઠાથી રહેનારનાં મુખ કાંતિ સુખમાં ઉદય પામતી નથી અને દુઃખમાં અસ્ત પામતી નથી.
તે પુરુષ જીવનમુક્ત કહેવાય.
જેને વિષયોનાં સ્પર્શરૂપ જાગૃત અવસ્થા જ નથી જેને જાગૃતની વાસનાથી સ્વપ્ન પણ આવતું નથી.
જે પોતે રાગ, દ્વેષ અને ભય આદિને અનુકુળ એવી ક્રિયાઓ કરવા છતાં પણ આકાશની જેમ નિર્લેપ રહે છે.
ક્રિયાઓ કરતાં અથવા નહિં કરવામાં પણ જેનું મન અહંકારયુક્ત થતું નથી અને જેની બુદ્ધિ લેપાતી નથી તે જીવનમુક્ત કહેવાય છે.
સ્વ સ્વરૂપમાં એક સ્થિતિથી રહેતો જે પુરુષ આત્માનાં પ્રકાશમાત્રથી જગતનો લય થાય છે અને આત્માને આવરણમાત્ર થવાથી જગતની ઉત્પત્તિ થાય છે એમ અનુભવપૂર્વક જાણે છે તે જીવનમુક્ત છે.
જેનાથી લોકો ઉદ્વેગ પામતાં નથી જે લોકોથી ઉદ્વેગ પામતો નથી અને જે પોતે હર્ષથી, ક્રોધથી તથા ભયરહિત હોય છે તે જીવનમુક્ત છે.
જે પુરુષ સંસારમાં સત્યતાબુદ્ધિ ટળી જવાને લીધે ચિત્તવાળો પણ ચિત્ત વિનાનો હોય છે.
શરીરવાળો છતાં શરીરરહિત હોય છે તે જીવનમુક્ત છે.
જે પોતે સર્વ પદાર્થોથી વ્યવહાર કરવા છતાં શીતળ રહે છે, અને જે સર્વ પદાર્થોમાં પણ પૂર્ણસ્વરૂપે રહે છે તે જીવનમુક્ત છે.
જ્યારે શરીર કાળ ને આધીન થાય છે ત્યારે એ પુરુષ જીવનમુક્તની પદવી છોડે છે અને જેમ પવન નિશ્ચળપણાને પામે તેમતે વિદેહમુક્તિની પદવી પામે છે.
વિદેહમુક્ત પુરુષ ઉદય પામતો કે અસ્ત પામતો, મંદ પડતો નથી.
પ્રત્યક્ષ રહેતો નથી, અપ્રત્યક્ષ રહેતો નથી, દુર રહેતો નથી, અહંરૂપ રહેતો નથી અને અહંરૂપથી અલગ પણ રહેતો નથી વિદેહમુક્ત પુરુષ સૂર્ય થઈને પ્રકાશે.
વિષ્ણુ થઈને ત્રિલોકનું રક્ષણ કરે કે રુદ્ર થઈને સંહાર કરે અથવા બ્રહ્મા થઈને સૃષ્ટિઓ કરે છે.હે રામ \! જે આ જે વિદેહમુક્તની સ્થિતિ કહી છે, તે મુક્તિ જ કહી છે અને જે મુક્તિ છે તે જ બ્રહ્મ છે, નિર્વાણ છે.
હવે એ સ્થિતિ શી રીતે પ્રાપ્ત થાય તે વિષે કહું છું, ‘હું, તું આદિ વ્યવહારોવાળું જે કાંઈ આ દૃશ્ય જોવામાં આવે છે તે વિદ્યમાન છતાં પણ તે ઉત્પન્ન થયું જ નથી.’ એમ સમજવામાં આવે તો એ નિર્વાણ સ્થિતિ મળે છે.આ ‘જગત’ શબ્દથી કહેવાનો કોઈ પદાર્થ જ નથી.
જે કાંઈ જગત છે તે સઘળું પરમાર્થ રૂપે અદ્વૈત, શાંત, પ્રકાશની અને આકાશની પેઠે નિર્મળ પરબ્રહ્મ જ છે.રામ બોલ્યાં : હે મુનિ \! જે યુક્તિથી જગતનું મિથ્યાપણું જાણીને મુકતપણું પ્રાપ્ત થાય તે ઉત્તમ યુક્તિ મને કહો.
દ્રષ્ઠા અને દૃશ્ય એકરૂપ થઈને પરસ્પર મળી ગયાં છે અને તે બંને નથી એવી જ્યારે મનની દૃઢ સ્થિતિ થાય છે ત્યારે નિર્વાણ સ્વરૂપ અવશેષ રહે છે.
તે બ્રહ્મ સમજાય એવી યુક્તિ મને કહો.વશિષ્ઠ બોલ્યાં : ઘણા કાળથી ઘર ધાલી રહેલી આ મિથ્યા જ્ઞાનરૂપી વિષૂચિકા વિચારરૂપ મંત્ર થી જ નિર્મૂળ શાંત થઈ જાય છે.
આ રોગ ઘણાં કાળથી જામેલો છે માટે તેને તરત ઉખેડી શકાય એમ નથી.
આથી અભ્યાસ - યોગથી, યુક્તિથી અને ન્યાયની ઘટનાઓથી જે રીતથી જગતરૂપી ભ્રાંતિનો નાશ થાય છે તે કહું છું.શૂન્યરૂપ - ભ્રાંતિરૂપ જગત મૂળે ઉત્પન્ન જ થયું નથી.
છતાં દેખાય છે તે સઘળાં પ્રકારોવાળું અસુર-કિન્નર સહિતનું આ જે સ્થાવર-જંગમ જગત મહાપ્રલયમાં નાશ પામી અસત્ અદૃશ્ય થઈ જાય છે ત્યારે વ્યાપક, કહી ન શકાય એવું, નામરૂપ થી રહિત, નિશ્ચય અને ગંભીર એવું કાંઈક સત બાકી રહે છે તે સત તેજરૂપ નથી, તમોરૂપ નથી, શૂન્ય નથી, આકારવાળું નથી, દૃશ્ય નથી, દર્શનરૂપ નથી અને ઉત્પન્ન થયેલાં પદાર્થોનાં સમુહરૂપ નથી, તે અનંતપણાથી રહે છે.
તેનાં સ્વરૂપનું કોઈ રીતે નિરૂપણ થઈ શકતું નથી.
તે પૂર્ણ કરતાં પૂર્ણ છે, સત્ કે અસત્ કહી શકાતું નથી તેવું ચૈતન્યમાત્ર છે.
તે ઉત્પત્તિ વાળું કે ઉત્પત્તિરૂપ પણ નથી, બુદ્ધિતત્ત્વથી ભિન્ન છે, અનંત છે, જરારહિત છે અને સુખરૂપ છે તે આદિ, મધ્ય, અંત વગરનું કારણરહિત છે, પીડારહિત છે.તે જગતની વ્યક્ત કે અવ્યક્ત અવસ્થામાં રહેલાં પરમાત્મા છે.
પોતાને કાન, જીભ, નાક, ચામડી કે નેત્ર ન હોવાં છતાં પણ તે સર્વકાળમાં અને સર્વદેશમાં સાંભળે છે, સ્વાદ લે છે, સૂંઘે છે, સ્પર્શ કરે છે અને જોયા કરે છે.