અનંતની યાત્રાAnant ni Yatra
પ્રાણ ચિકિત્સા દ્વારા આત્મ સાક્ષાત્કાર પાર્ટ 1

સંવેદનશીલતા

ભાગ ૧૨ / ૭૫ · મૂળ PDF

ત્યારબાદ, ચિકિત્સકે પોતાનાં બંને હાથને સંવેદનશીલ બનાવવા.

(A) બંને હાથની આંગળીઓનાં ટેરવા ૨ થી ૫ સેકંડ દબાવો અને મુક્ત કરો

(B) હથેળીની મધ્યમાં અંગૂઠાથી દબાણ આપો અને મુક્ત કરો.

(C) બંને હાથોને વારંવાર ઝાટકી નાખો.

(D) બંને હથેળીને હળવેથી છાતી સમક્ષ એકબીજાની નજીક લાવો. આ વખતે ટેરવા અને હથેળીઓમાં હળવા સ્પંદનો માલૂમ પડશે.

(A) બાહ્યઊર્જા કવચ (Outer aura)

સૌપ્રથમ દર્દીથી આશરે ૭ ફૂટ નાં અંતરે ઊભા રહો. દૃષ્ટિ તેનાં ખભા તરફ રાખીને, પ્રાણચિકિત્સકે તેની તરફ પોતાનો હાથ રાખીને ડગલું ભરતા જવું. એક સ્થળે હાથમાં સુક્ષ્મ અવરોધ જેવું લાગશે ત્યાં હાથને મસ્તકથી ખભા, હાથ, અને પગ તરફ અલગ અલગ જગ્યાએ તપાસો અને તેની નોંધ લો. આ બાહ્ય ઊર્જા કવચ (outer aura) છે.

(B) ઊર્જા કિરણ દેહ (Health Aura): હાથને ઝટકી નાખો ફરી એક ડગલું આગળ વધો. હાથમાં મંદ સ્પંદનો વધવા લાગશે જ્યાં તીવ્ર અવરોધ જણાય ત્યાં સુધી તેનો ઊર્જાકિરણ દેહ. (Health Ray – Aura)

(C) અંતઃપ્રાણઊર્જા દેહ (Inner Aura): જ્યાં તીવ્ર અવરોધ જણાય તે અંતઃ પ્રાણઊર્જા દેહ છે.

આમ દર્દીને ફરતે બધી બાજુથી ફરીને તેનાં (અ) બાહ્ય ઊર્જાકવચ (બ) ઊર્જાકિરણદેહ (ક) અંતઃપ્રાણઊર્જાદેહની જાણકારી પ્રાપ્ત કરો, તેની નોંધ રાખો. પ્રાણચિકિત્સકે આ આખીય પ્રક્રિયા દરમ્યાન પોતાનો હાથ વારેવારે ઝટકવો જોઈએ.

દર્દીનાં અંત:પ્રાણઊર્જાદેહ પાસે આવીને ફરીવાર સૂક્ષ્મ અવલોકન કરી તેનાં કોઈક ભાગમાં પ્રાણનો ભરાવો અન્યત્ર પ્રાણની ઊણપ જોવાં મળશે. આ પ્રક્રિયા તેનાં અંત:પ્રાણઊર્જાદેહ પર વારંવાર કરવાથી તેનાં સમગ્ર પ્રાણઊર્જાદેહની વર્તમાન સ્થિતિ સ્પષ્ટ થઈ જશે.

સૂક્ષ્મ અવલોકનવિધિનો વારંવાર અભ્યાસ અલગ-અલગ વ્યક્તિઓ પર કરીને (તેઓની સંમંતિપૂર્વક) પ્રાણચિકિત્સક પોતાનાં કૌશલ્યમાં વૃદ્ધિ કરી શકે છે. તે ઓરડામાં રહેલી અન્ય ચીજો, જેવી કે ફૂલદાની, ફૂલો, પેન, ટેબલ, ખુરશી, સોફા, પડદા વગેરેનું પણ સૂક્ષ્મ અવલોકન કરી શકે છે. ભોજન કરતી વખતે અલગ-અલગ વાનગીઓ અથવા અન્ય વપરાશની વસ્તુઓની ઊર્જાનું સ્તર ચકાસી શકે છે. એક અથવા બે આંગળીઓ વડે પણ સૂક્ષ્મ અવલોકનવિધિ કરવાનો અભ્યાસ કરવો જોઈએ. સારા પ્રાણ ઊર્જા અને દૂષિત પ્રાણી ઊર્જાનાં અનેક સ્તરો વિષેની જાણકારી મેળવીને પોતાની સૂક્ષ્મ અવલોકનશક્તિને વિકસાવવાથી સારા પ્રાણચિકિત્સક બની શકાય છે.

(૨) શોધન-માર્જન-Cleaning.

પ્રાણચિકિત્સા શરૂ કરતાં પહેલાં પ્રાણઊર્જાદેહનું શોધન-માર્જન કરવું જોઈએ. કોઈપણ વ્યક્તિ પડેલાં ઘા ને સાફ કરીને ત્યારબાદ દવા મૂકીને પાટો બાંધે છે. એજ પ્રમાણે ઘરમાં અલગ અલગ ઓરડાઓમાં પ્રથમ ઝાપટી, ઝૂંપટીને કચરો વાળે છે ત્યારબાદ પાણી અને અન્ય સફાઈનાં દ્રાવણનો ઉપયોગ કરીને પોતાં કરે છે જેના વડે ઘર સ્વચ્છ થઈ જાય.

પ્રાણચિકિત્સામાં શોધન – માર્જનની બે પદ્ધતિઓ છે. (૧) સ્થાનિય શોધન

અહીં પ્રાણચિકિત્સક અસરગ્રસ્ત ઊર્જાદેહની જગ્યાએ પોતાનાં હાથ દર્દીનાં શરીર તરફથી બહારની તરફ ફેરવે છે તે પોતાનાં પ્રાણદેહની મદદથી હાથની હથેળીનો આંગળીઓ વડે દર્દીનાં ઊર્જાદેહમાંથી નબળો, દૂષિત પ્રાણ કાઢીને મીઠાનાં દ્રાવણવાળા ડબ્બામાં જ નાખે છે. પ્રશ્ન થાય કે આવું શોધન, માર્જન કેટલી વાર કરવું? આનો કોઈ ચોક્કસ જવાબ ન હોઈ શકે પરંતુ જ્યાં સુધી દર્દીનાં તે અવયવની ઊર્જા સ્વચ્છ ન લાગે ત્યાં સુધી કરવું જોઈએ. સામાન્ય રીતે ૨૦ થી ૩૦ વાર મધ્યમ ગંભીર સ્થિતિમાં ૩૦ થી ૫૦ વાર અને ગંભીર – જટિલ સ્થિતિમાં ૧૦૦થી વધુ વાર શોધન – માર્જન કરવાની જરૂરત પડી શકે છે. પોતાનો સતત અભ્યાસ અને સારી આદતોવાળા ચિકિત્સકો થોડા માર્જનથી વધુ દૂષિત પ્રાણ ઝડપથી દૂર કરવા સક્ષમ હોય છે. ચિકિત્સક પ્રાણાયામ કરીને અને માર્જન વખતે ઉમંગથી પ્રાણાયામ કરતો કરતો શોધન – માર્જન કરે તો તેને ઘણાં સારાં પરિણામો મેળવવાનાં અનેક દૃષ્ટાંતો મોજૂદ છે. જો પ્રાણચિકિત્સક ધ્યાન ચિંતન નિયમિત કરતાં હોય તો તેનું પ્રાણચિકિત્સા કૌશલ્ય ખૂબ જ ઉચ્ચ સ્તરનું બનતું જાય છે. પ્રાણચિકિત્સકનો પોતાનાં ઊર્જાદેહનું પણ શોધન સ્વતઃ થતું જવાથી તે એકથી ત્રણ ફૂટ સુધી વિસ્તરે છે. યમ – નિયમનું પાલન, યોગ્ય માત્રામાં આહાર અને ઊંઘ તથા નિયમિત વ્યાયામ પ્રાણચિકિત્સકને અદ્ભુત ચમત્કારિક કહી શકાય તેવાં પરિણામો આપી શકે છે.