અનંતની યાત્રાAnant ni Yatra
પ્રાણ ચિકિત્સા દ્વારા આત્મ સાક્ષાત્કાર પાર્ટ 1

પ્રાણચિકિત્સા – મહત્ત્વની બાબતો

ભાગ ૧૮ / ૭૫ · મૂળ PDF

પ્રાણચિકિત્સા સમયાંતર

ઘણાંને પ્રશ્ન થતો હશે કે પ્રાણચિકિત્સા કેટલાં સમયમાં અંતરે ફરી કરી શકાય? આ માટે ઘણાં પરિબળોનો અભ્યાસ કરીને પ્રાણચિકિત્સકે ચિકિત્સા કાર્યક્રમ યોજવો જોઈએ. આમાંથી મુખ્ય પરિબળો વિષે જોઈએ.

(૧) દર્દીની ઉંમર અને આરોગ્યની સ્થિતિ

જે દર્દીની ઉંમર વધુ હોય, વયોવૃદ્ધ હોય અને નબળાઈ અનુભવતા હોય તેમની પ્રાણચિકિત્સા હળવેથી અને લાંબા સમય સુધી કરવી જોઈએ. નાનાં શિશુઓની પ્રાણચિકિત્સા પણ હળવેથી ટૂંકા સમય માટે કરવી જોઈએ. કારણ કે તેઓની પ્રાણઊર્જા ગ્રહણ કરવાની ક્ષમતા ઓછી હોય છે. જ્યારે યુવાન વ્યક્તિઓની પ્રાણચિકિત્સા ગ્રહણક્ષમતા વધુ હોય છે તેમની સારવાર ઝડપથી – મધ્યમ – તીવ્ર ગતિએ પણ ટૂંકા સમયમાં યોજી શકાય. જો તેઓ ઝડપથી સાજા થવા ઈચ્છતા હોય તો આંતરેદિવસે તેમની સારવાર કરી શકાય.

(૨) અવયવની નાજુકતા અને અગત્યતા

આંખો, હૃદય, મસ્તક જેવા અવયવો ખૂબ જ નાજુક અને અગત્યનાં ગણાય આથી તેમની પ્રાણચિકિત્સા લાંબા સમયનાં અંતરે યોજવાથી ઊર્જાનો ભરાવો થઈ જવાથી ઊભી થતી સમસ્યાઓ અને આંતરિક પ્રતિકાર ઊભો થવાની શક્યતાઓનું નિવારણ કરી શકાય. પરંતુ ઢીંચણ, હાથ, પગ જેવા અવયવો એટલાં નાજુક અને અતિસંવેદનશીલ ન હોવાનાં કારણે ત્યાં ઉત્પન્ન થયેલી બીમારીઓની સારવાર પહેલા ચાર કલાકમાં દર કલાકે કોઈપણ જાતનાં તત્કાલ પ્રતિકાર અને અન્ય અસરો વગર કરી શકાય.

(૩) પ્રાણઊર્જાનો ખપતનો દર

જ્યારે કોષોમાં હાનિ થઈ હોય તેવી બીમારીઓ જેવી કે દાઝવું અથવા ઘા પડવા કે મૂઢ માર વાગે અથવા તીવ્ર ચેપ લાગવા જેવી સ્થિતિમાં જ્યારે પ્રાણઊર્જા આપવામાં આવે ત્યારે શરીર સાજા થવા માટે શરૂઆતમાં ગ્રહણ થયેલી પ્રાણઊર્જા ખૂબ જ ઝડપથી વાપરી નાખે છે. આથી ગંભીર દાઝવા જેવી સ્થિતિ માટે પ્રાણસિંચન શરૂઆતમાં દર કલાકે થોડા દિવસો સુધી કરવાથી સાજા થવાનો દર વધી શકે છે. તીવ્ર (એપેન્ડિક્સ) આંત્રપુચ્છનાં દુઃખાવામાં દર કલાકે પ્રાણશોધન ઉજ્જવલન કરવાની જરૂર હોઈ શકે છે જેથી દર્દી ઝડપથી રાહત પામી સાજા થવાના દરમાં વૃદ્ધિ થાય છે. જો દર્દીને હાથ પર ઘસાવાથી થયેલાં ઉઝરડા પર તત્કાલ પ્રાણશોધન ઉજ્જવલન કરીને દર બે કલાકે ફરી સારવાર આપવામાં આવે તો ઈજા પામેલાં ચામડીના કોષો કાળા પડવાનાં શરૂ થાય તે પહેલાં જ સાજા થવા માંડે છે. તેમાં ચેપ લાગતો નથી અને એક કે બે દિવસમાં જ રુઝ આવી જાય છે.

જો દર્દી મધ્યમ ગતિએ સાજા થવા ચાહતો હોય તો દિવસમાં એક સારવાર આપી શકાય. વાગ્યા પર તુર્ત જ પ્રાણચિકિત્સા કરવામાં આવે તો સોજો આવતો નથી અથવા એકાદ દિવસમાં સાજા થઈ શકાય છે.

(૪) રોગની ગંભીરતા અને તીવ્રતા:

હૃદયરોગ, પક્ષઘાત, કૅન્સર જેવા રોગમાં પ્રાણઊર્જાની ખપત ખૂબ જ હોવાથી તેની સારવાર દરરોજ કરવાની જરૂર પડે છે. મુખ્ય સારવાર દિવસમાં એકવાર અને નાજુક અવયવોની સારવાર દર થોડા કલાકે કરવાથી દર્દી તત્કાલ રાહત અનુભવે છે અને ઝડપથી સાજા થવાનો દર વૃદ્ધિ પામતાં સંપૂર્ણ આરોગ્ય પ્રાપ્ત કરી શકે છે.

પ્રાણચિકિત્સકે સૂક્ષ્મ અવલોકન કરીને ઉપરોક્ત બાબતોને લક્ષ્યમાં રાખીને દર્દીની સારવારની સમયરેખા નક્કી કરવી જોઈએ.

(૨) પ્રાણચિકિત્સામાં સર્વગ્રાહી અભિગમ:

કોઈપણ રોગ, બીમારી કે અકસ્માત ઈજાઓમાં આંતરિક અને બાહ્ય કારણો મોટો ભાગ ભજવે છે. વ્યક્તિનાં આરોગ્યમાં ભૌતિક શરીર, જીવદ્રવ્ય (પ્રાણ) દેહ અને માનસિક સ્વાસ્થ્યનો ફાળો હોય છે. જોકે મોટા ભાગની બીમારીઓ – ઈજામાં પ્રાણચિકિત્સા વડે પણ સાજા થઈ શકાય છે. પરંતુ તેની સાથે ઔષધો કે દવાઓનો ઉપયોગ કરવાથી દર્દી ખૂબ જ ઝડપથી રાહત પામે છે અને સાજા થવાની ઝડપ વઘી જાય છે. તેની સાથે જો માત્ર દવાઓથી અથવા માત્ર પ્રાણચિકિત્સા વડે સારવાર કરવામાં આવે તો તેનાં પરિણામો એટલાં ઝડપી મળી શકતાં નથી.

જોકે માત્ર પ્રાણચિકિત્સા વડે અદ્ભુત અકલ્પનીય, ચમત્કારી પરિણામો મેળવી શકાય છે – પરંતુ યોગ્ય આહાર, આરામ, વ્યાયામ સાથે ઔષધો કે દવાઓ અથવા એક્યુપંચર, એક્યુપ્રેશર, મેગ્નેટ થેરાપીનો સંતુલિત ઉપયોગ કરવાની સલાહ યોગ્ય શાણપણવાળી ગણાય. વિવિધ ઉપચાર પદ્ધતિઓ માટે સંતુલિત અને યોગ્ય દૃષ્ટિકોણ રાખીને ઉપચાર યોજવો જોઈએ. કોઈપણ પ્રકારનાં કટ્ટરપણાને અહીં કોઈ સ્થાન નથી. આ બઘી પદ્ધતિઓ અનેક લોકોનો ખૂબ લાંબાં સમયના જહેમતભર્યાં અભ્યાસ-અવલોકનો પર આધારિત હોય છે. આથી માત્ર તબીબી સારવાર કે માત્ર પ્રાણચિકિત્સા વડે સાજા કરવા જેવી ભૂલો ન કરવી. અહીં દર્દીને રાહત આપી ઝડપથી સાજા કરવા એ અભિગમ રાખવો હિતાવહ છે.