અનંતની યાત્રાAnant ni Yatra
પ્રાણ ચિકિત્સા દ્વારા આત્મ સાક્ષાત્કાર પાર્ટ 1

દ્રવીહૃદય ધ્યાનચિંતન (Meditation of Twin Hearts)

ભાગ ૬૨ / ૭૫ · મૂળ PDF

ધ્યાન આપો કહેવા માત્રથી જે થાય છે તે ધ્યાન કહેવાય છે. આ સંસાર ધ્યાનથી જ ઊભો થયો છે. જ્યાં જ્યાં ચિત્ત જાય છે ત્યાં ત્યાં ધ્યાન અપાય છે. આવું ધ્યાન ખૂબ સરળ છે. એટલે સંસારમાં અનંત પ્રકારનાં ધ્યાન હોય છે. પુસ્તક વાંચવું, કાર હાંકવી, રસોઈ કરવી, ચિત્ર દોરવા, જેવી પ્રવૃત્તિઓ ધ્યાન વડે જ શક્ય બને છે. એટલે ધ્યાન ખૂબ જ સ્વાભાવિક ક્રિયા અથવા પ્રવૃત્તિ છે. સૌપ્રથમ તો ધ્યાન વિષે કોઈ ડર કે આશંકા હોય તો તેને નિર્મૂળ કરી નાખશો.

કોઈ એક વસ્તુ બાબત વિષે વિચાર કરતાં જે સ્વાભાવિક એકાગ્રતા ઊભી થવા માંડે છે તેને ધ્યાન કહી શકાય. યોગશાસ્ત્રમાં ધારણા, ધ્યાન, સમાધિ વિષે વિપુલ સાહિત્ય ઉપલબ્ધ જ છે. અહીં જે ધ્યાન વિષે જણાવવાનો પ્રયાસ કરવામાં આવે છે તેનું લક્ષ્ય પ્રકાશ, બૌદ્ધિક ચૈતન્ય અથવા વૈશ્વિક ચૈતન્ય પ્રાપ્ત કરવાનો છે. તેની સાથે જ તે વિશ્વની સેવારૂપ યજ્ઞ છે. જેમાં કરુણામયતાથી સમસ્ત પૃથ્વીને આશીર્વાદ આપીને સંવાદિતા સ્થપાય છે.

ચૈતન્યની સીમાડે આવતાં કેટલાક મુખ્યચક્રો તેનાં મુખ્ય દ્વારો છે એ સિદ્ધાંત પર આ દ્રવીહૃદયધ્યાન સ્થપિત થયેલું છે. બૌદ્ધિક ચૈતન્ય અથવા પ્રજ્ઞાન-પ્રકાશ પ્રાપ્ત કરવા માટે સહસ્ત્રારચક્રને પૂર્ણ વિકસિત કરવું આવશ્યક છે. સહસ્ત્રારચક્ર જયારે સંપૂર્ણ વિકસિત થાય ત્યારે ખીલેલાં કમળસમાન પ્રતીત થાય છે. આ વધુ ચોક્કસતાથી કહેવાય કે જ્યારે તેની સૌથી મધ્યમાં આવેલી ૧૨ પાંખડીઓ પૂર્ણ રૂપથી ઉપરની તરફ ખીલી ઊઠે છે ત્યારે આધ્યાત્મિક ઊર્જાઓ શરીરનાં અન્ય ભાગોમાં પ્રસરાવે છે. રાજાઓ અને રાણીઓ દ્વારા ધારણ કરાતો મુગટ એ સંપૂર્ણ વિકસિત માનવનાં અતિ તેજસ્વી સહસ્ત્રાની અતિ નબળી ભૌતિક પ્રતિકૃતિ માત્ર જ છે. પૂર્ણવિકસિત સહસ્ત્રારચક્ર એ પવિત્ર નિર્વાણ સ્થિતિનું પ્રતીક છે.

સહસ્ત્રારચક્રને સંપૂર્ણ સક્રિય કરવા માટે સૌપ્રથમ હૃદયચક્ર (અનાહતચક્ર) સંપૂર્ણ સક્રિય કરવું આવશ્યક છે. અનાહતચક્ર એ સહસ્ત્રારચક્રની પ્રતિકૃતિ છે. જ્યારે અનાહતચક્ર પર દૃષ્ટિ કરીએ ત્યારે તે સહસ્ત્રારચક્રનું આંતરિકચક્ર જેવું જ જણાય છે જેમાં ૧૨ સાનેરી પાંખડીઓ રહેલી છે. હૃદયચક્ર એ સહસ્ત્રારચક્રનું લધુ અંગરૂપ છે. સહસ્ત્રારચક્ર એ પ્રજ્ઞાન-પ્રકાશનું કેન્દ્ર છે જ્યારે અનાહતચક્ર દિવ્ય પ્રેમ અને એકતા અભેદતાનું કેન્દ્ર છે. અંધ વ્યક્તિને જેમ રંગ વિષે જાણકારી હોતી નથી તેવી જ રીતે સામાન્ય વ્યક્તિને દિવ્ય પ્રેમ અને પ્રજ્ઞાન- પ્રકાશ વિષે કોઈ જાણકારી હોતી નથી. અનાહતચક્ર ઉચ્ચતર લાગણીઓનું કેન્દ્ર છે. તે આનંદ, કરુણા, સ્નેહ, દયા તેમજ અન્ય પ્રત્યે ભલી લાગણીઓ જેવી ઉચ્ચ સંસ્કારિત લાગણીઓનું કેન્દ્ર છે. આવી ઉચ્ચ સંસ્કારિત લાગણીઓના વિકાસ વગર કોઈ કેવી રીતે દિવ્ય પ્રેમને અનુભવી શકે?

સહસ્ત્રાર અને અનાહતચક્રને સક્રિય કરવાનાં ઘણા માર્ગ છે. શારીરિક હલનચલન, હઠયોગ, દૃશ્યીકરણ, યોગિક શ્વસનક્રિયાઓ, મંત્રો કે સબળ શબ્દોનો ઉપયોગ આ માટે કરી શકાય. આ પદ્ધતિઓ અસરકારક હોય છે પરંતુ પૂરતી ઝડપી નથી. આ ચક્રોને ખૂબ જ ઝડપથી સક્રિય કરવાનો માર્ગ છે, પ્રેમ અને કરુણા વિષે ધ્યાન ચિંતન કે સમસ્ત પૃથ્વીને પ્રેમ અને કરુણાથી આશીર્વાદ આપવા. આથી તેઓ આધ્યાત્મિક ઊર્જાઓ માટેનાં વાહક (Chennel) બને છે અને સક્રિય થઈ જાય છે, આ પ્રક્રિયામાં પૃથ્વીને પ્રેમ-કરુણાનાં આશીર્વાદ આપતાં તમે સમગ્ર વિશ્વની સેવા કરો છો જેનાથી તમે અનેક ઘણાં વધુ આશીર્વાદ પામો છો. અન્યને આશીર્વાદ આપવાથી તમે પણ આશીર્વાદ પામશો. “જે આપો છો તે જ પાછું મળે છે” આ કાનૂન છે.

પૂર્ણવિકસિત સહસ્ત્રારચક્ર ધરાવતી વ્યક્તિ પ્રજ્ઞાન પ્રકાશ મેળવી જ લે છે, એવું જરૂરી નથી. કારણ કે તેણે હજુ પણ સહસ્ત્રારચક્રનાં ઉપયોગ વડે કેવી રીતે પ્રજ્ઞાન-પ્રકાશ પ્રાપ્ત કરવો તે જાણી લેવું જરૂરી છે. આ અદ્યતન કમ્પ્યુટર વસાવી લેવાથી તેનો ઉપયોગ આવડતો નથી તેનાં જેવું છે. સહસ્ત્રારચક્રને સંપૂર્ણ સક્રિય કર્યા પછી પ્રકાશ પર ઓમ (ૐ) મંત્ર, અને બે ૐ મંત્ર વચ્ચેનાં સમયગાળા પર ધ્યાન કરવું જોઈએ. માત્ર ૐ મંત્ર જ નહીં પરંતુ બે ૐકાર વચ્ચેનાં ખાલી અવકાશ પર તીવ્ર એકાગ્રતા કરવી જોઈએ. આથી પ્રકાશ, ૐકાર અને બે ૐકાર વચ્ચેનાં ખાલી ગાળા પર તીવ્ર એકાગ્રતા કરવાથી સમાધિ પ્રાપ્ત થાય છે.

મોટે ભાગે ઘણાં લોકો-વ્યકિતઓનાં અન્યચક્રો ખૂબ જ સક્રિય હોય છે. મૂલાધાર, સ્વાધિષ્ઠાન અને સૌરચક્રો મહદઅંશે બધી વ્યક્તિઓમાં સક્રિય હોય છે. સ્વઅસ્તિત્વ, જાતીયવૃત્તિ અને નિમ્ન સ્તરની લાગણીઓ વડે પ્રતિકાર કરવાનાં વલણો મોટા ભાગની વ્યકિતઓમાં પ્રબળ હોય છે. અદ્યતન શિક્ષણ અને કાર્યોની વ્યાપકતાનાં પરિણામસ્વરૂપ માનસિક કૌશલ્યનાં ઉપયોગને કારણે આજ્ઞાચક્ર અને વિશુદ્ધિચક્ર પણ ઘણી વ્યક્તઓમાં વિકસિત થાય છે. પરંતુ મોટા ભાગની વ્યકિતઓમાં અનાહત અને સહસ્ત્રાર ચક્રો એટલાં વિકાસ પામેલાં મળતાં નથી. કમનસીબે આધુનિક શિક્ષણ પદ્ધતિ, આજ્ઞાચક્ર અને વિશુદ્ધિચક્રનાં વિકાસ એટલે કે મૂર્ત અને અમૂર્ત મનનાં વિકાસ પ્રત્યે વધુ પડતું મહત્વ આપે છે. જ્યારે અનાહતચક્રનાં વિકાસને અવગણે છે. પરિણામે વ્યક્તિઓ વચ્ચે ખુબ જ બુદ્ધિશાળી હોવા છતાં ઘર્ષણ, સંઘર્ષ થતો જણાય છે. આવા વ્યક્તિઓ લાગણીઓ બાબતે એટલાં પરિપક્વ નથી જણાતાં અને તેમનાં હૃદયચક્ર અવિકસિત હોય છે. તેઓ ખૂબ જ બુદ્ધિશાળી અને સફળ હોવા છતાં તેમનાં માનવીય સંબંધો ખૂબ જ નબળા હોય છે. તેમને ભાગ્યે જ મિત્રો, કુટુંબીઓ સાથે બને છે. તેમનાં કુટુંબ ભાંગી પડે છે. દ્રવીહૃદય ધ્યાનચિંતન વડે વ્યક્તિ સમતોલ બને છે.

વ્યક્તિ મૂર્ત કે અમૂર્ત મનનો ઉપયોગ સર્જનાત્મક કે વિનાશકારી કરશે તેનો આધાર તેનાં હૃદયચક્રનાં વિકાસ પર નિર્ભર કરે છે. જ્યારે સૌરચક્ર વધુ પડતું સક્રિય અને હૃદયચક્ર અવિકસિત હોય અથવા નિમ્ન લાગણીઓ સક્રિય હોય અને ઉચ્ચ લાગણીઓ અવિકસિત હોય ત્યારે તે વ્યક્તિ તેનું મન-મગજ વિનાશકાર્યોમાં ઉપયોગ કરે છે. મોટા ભાગના લોકોમાં હૃદયચક્રનો વિકાસ થયા વગર વિશ્વશાંતિ અપ્રાપ્ય સ્વપ્ન સમાન લાગે છે. તેથી શિક્ષણ તંત્રમાં હૃદયનાં વિકાસ પર ભાર મૂકવો જોઈએ.

૧૮ વર્ષથી નાની વ્યક્તિઓએ આ પ્રજ્ઞાન-પ્રકાશ ધ્યાન ન કરવું જોઈએ. કારણ કે તેમનાં શરીર આવી પ્રચંડ સૂક્ષ્મ ઊર્જાને સહન ન કરી શકે. તે લાંબા સમયે શારીરિક પક્ષાઘાતમાં પણ પરિણમે. હૃદયને લગતી બીમારીવાળી વ્યક્તિઓએ પણ તે ન કરવું જોઈએ કારણ કે તે ગંભીર રીતે હૃદયમાં ઊર્જાનો ભરાવો કરી શકે છે. દ્રવીહૃદય ધ્યાનચિંતન નિયમિત કરનારે આંતરનિરીક્ષણ વડે સ્વ શુદ્ધિકરણ અને ચરિત્રનિર્માણ પર ખાસ ધ્યાન આપવું જોઈએ. દવીહૃદય ધ્યાનચિંતન માત્ર સહસ્ત્રાર અને હૃદયચક્ર જ નહીં પરંતુ અન્ય ચક્રોને પણ સક્રિય કરે છે. આનાં પરિણામ તેમનાં સકારાત્મક અને નકારાત્મક લક્ષણો વિસ્તૃત કરી મુકે છે. સક્રિય કરે છે. જે અભ્યાસુ જાતે જ સત્યાપિત કરી શકે છે. દિવ્ય દૃષ્ટાઓએ આ નિરીક્ષણ કરેલું છે.