– આદિનારાયણ
પ્રત્યેક વ્યષ્ટિ દેહમાં (વ્યકિતમાં) જીવ હૃદયમાં હિમકણનાં આકારે વીર્યરૂપે સ્થૂળ દેહમાં રહેલો છે. પિતાના હૃદયમાં વીર્યરૂપે રહેલો અહંકાર (જીવ)ને પિતા વીર્ય દ્વારા માતાનાં ત્રિકોણ આકારનાં ગર્ભાશયમાં સિંચે છે. અને તે ગર્ભાશયનાં રુધિર (લોહી) સાથે એક થઈ જતાં તે, ક્રમે ક્રમે કલલ અને બુદ્ બુદ્ આકારે શરીર ધારણ કરી પોતે ઉત્પન્ન થાય છે. આ શરીર કલ્પિત (જ્ઞાનદૃષ્ટિથી) હોવા છતાં સત્ય જેવું ભાસે છે. પરંતુ શરીરમાં રહેલાં જીવ તેને સંકલ્પ દ્વારા પોતારૂપી માની બેસે છે. વીર્યમાંથી પોતાનાં દેહ, હાડકાં, સ્નાયુઓ સ્થિર અવયવોવાળો થઈ વિકસે છે. આ દેહ તેનાં કાર્યના ભોગવટા માટે રચાયેલો અન્નમય કોશ છે. હવે તેનાં હૃદયમાં રહેલા વીર્યની અંદર ‘હું અમુક દેહવાળો છું’ એવા દેહના અભિધાનને ધારણ કરી રહેલ તેનું જીવચૈતન્ય નખથી ઠેઠ શિખા સુધી આખા દેહમાં અહંભાવરૂપે ફેલાઈ જાય છે છતાં હૃદયમાં તેનું અભિમાન વિશેષરૂપે રહે છે.
જીવનું સ્વરૂપ તો સંકલ્પ માત્ર જ છે. તે જે જે સંકલ્પ કરે છે તેને પ્રથમ હૃદયમાં પેદા થાય છે. પછી ઈન્દ્રિયો દ્વારા બહાર ફેલાઈ જાય છે. તે જોવા માટે આંખ થાય છે સ્વાદ લેવા જીભ થઈ જાય છે અને સાંભળવાને માટે કાન થઈ જાય છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એ પાંચ વિષયો સંબંધી પાંચ જાતની (જોવાની, સાંભળવાની, ખાવાની સૂંઘવાની, અને સ્પર્શ કરવાની) વાસનાઓ (ઇચ્છાઓ) ને ખડી કરી દઈ તે તેમાં આસક્ત થઈ જાય છે.
ચૈતન્યની ઉપાધિને કારણે તેનાં સ્ફુરણ વડે એક જાતનાં આર્વિભાવરૂ૫ જીવો ઉત્પન્ન થયા. અને તેમનામાં પૂર્વની વાસનાઓને લીધે આકારો કલ્પિત થયા. જરાયુજ, અંકજ, સ્વેદજ, ઉદ્ ભિજ્જ આ ચાર પ્રકારની પ્રજાઓથી ૧૪ લોક ભરેલાં છે. આમ મહા-ચૈતન્યમાંથી અનંતાનંત જીવો પહેલાં ઉત્પન્ન થયાં, અત્યારે પણ થાય છે અને હવે પછી પણ ઉત્પન્ન થયાં કરશે. આ બધા જીવો પોતાની વાસનાઓની દશાઓનાં આવેગને લીધે આશાઓનાં વશમાં છે અને તેમનાં અંતકરણો અતિ વિચિત્ર દશાઓમાં પોતાની મેળે જ બંધાઈ ગયેલા છે. તેઓ નિરંતર પ્રત્યેક દિશામાં પ્રત્યેક દેશમાં, જળ, સ્થળ, આકાશમાં જન્મ – મરણ પામ્યા જ કરે છે. આ કલ્પમાં કેટલાંક પહેલી વાર જન્મ્યા છે.
કેટલાકનાં સો (૧૦૦) થી વધુ જન્મો થયાં છે. કેટલાકના અસંખ્ય જન્મો થયા છે અને કેટલાક હજુ જન્મવાનાં બાકી છે. આમાં પણ કેટલાક એક જ યોનિમાં વારંવાર જન્મે છે. તો કેટલાક અનંત યોનિભ્રમણ કર્યા જ કરે છે. અતિ જૂજ જીવો જીવનમુક્ત પણ થતાં હોય છે. કેટલાક જ્ઞાન પામીને વિદેહ મુક્ત પણ થાય છે.
અનાદિઅનંત પરબ્રહ્મ – પરમ ચૈતન્યમાં તેનાં કિરણો જેવાં અનંત બ્રહ્માંડો ત્રસરેણુની જેમ રહેલાં છે. જેમ ડાબલીમાં સરસવનાં દાણા, એ કેટલા છે તેનો કોઈ પાર પામી શકે તેમ નથી. તે બધાં આ પરમ ચૈતન્યમાં પરપોટાનાં આભાસરૂપે પ્રગટ થાય છે અને લય પામે છે. આ જ અનાદિથી ચાલતું આવે છે. એક પરમાણુમાં આપણા જેવા અનંત જગતસમૂહો રહેલા છે ‘બુદ્ધિ આથમી એટલે પરમ ચેતન્યરૂપ થવાય.’
વાસ્તવમાં અહંકાર જ દેહ ધારણ કરાવે છે. પૂર્વના દેહના સંસ્કારો સહિત લિંગશરીર (જીવદ્રવ્ય શરીર) મૃત્યુ બાદ નવો દેહ ધારણ કરે છે. અહીં વાસનાઓ (ઇચ્છાઓ) ની પૂર્તિ માટે સ્થૂળ દેહ પેદા કરે છે. આમાં પાંચભૂતો પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, આકાશ સહાયભૂત થાય છે. આ સ્થૂળ શરીરમાં સત્ય, રજ, તમ નામનાં ત્રણ ગુણો નિહિત જ હોય છે. જે કફ, પિત્ત અને વાયુરૂપ પ્રકૃતિ ઘડે છે. આમ વાયરૂપ પવનશક્તિ અને કફ, પિત્ત રૂપી રસશક્તિનાં પરિણામ પેદા થાય છે. અહીં વળી રાગ -દ્વેષ, એટલે આકર્ષણ–વિકર્ષણ કરાવનારી બુદ્ધિ જન્મે છે. અને પાંચ જ્ઞાનેન્દ્રિયો – પાંચ કર્મેન્દ્રીયો, પાંચપ્રાણ, પાંચ ઉપપ્રાણ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર મળીને આ ૨૫ ઘટકોનો શંભુમેળો એ માનવદેહ હોય છે.