અનંતની યાત્રાAnant ni Yatra
પ્રાણ ચિકિત્સા દ્વારા આત્મ સાક્ષાત્કાર પાર્ટ 2

V મંત્રજાપ

ભાગ ૨૬ / ૪૪ · મૂળ PDF

જે મનનું તારણ કરે તેને શાંત કરે તેને મનતર, મંત્ર કહે છે, જેમાં શક્તિશાળી અક્ષરોનું પુનરાવર્તન અથવા ધ્યાન ઊભું કરવા માટે અક્ષરોનો (ચોક્કસ) ઉપયોગ કરાય છે. દા.ત. ૐ, અથવા ૐ નમો નારાયણાય, ૐ નમ: શિવાય: વગેરે મુખ્યત્વે મંત્રોને ૩ ભાગમાં વહેંચી શકાય.

(૧) બીજમંત્રઃ આ મંત્ર એકાક્ષરી હોય છે. અને તે બીજરૂપે મનમાં ઘરબવાથી કાળે કરીને સુંદર પરિણામ આપે છે. દા.ત. લં, હ્રીં, કલી વગેરે.

(૨) સગુણ મંત્રઃ આ મંત્રમાં ગુણ, આકાર અથવા દેવનું નામરૂપ હોય છે. ૐ નમઃ શિવાય.

(૩) નિર્ગુણ મંત્ર: આમાં માત્ર નિરાકાર પ્રભુને પ્રતિ નિવેદનરૂપ ઉચ્ચારણ કરે છે.

અન્ય એક મંત્ર પ્રકારને સાબર અથવા સાબરી મંત્ર કહે છે, જે સંસ્કૃત ન હોવાના બદલે લોકોની સામાન્ય બોલચાલની ભાષામાં જ હોય છે. તેને પ્રથમ સિદ્ધ કરવાની કે ગુરુ પાસેથી દિક્ષારૂપે મેળવવાની પણ જરૂર નથી. તે બસ તત્કાલ કાર્ય કરવા માટે તૈયાર જ હોય છે. તેનાં વડે સમૃદ્ધિ પદોન્નતિ, માનસિક નિયંત્રણ (અન્ય પર) ઇચ્છાપૂર્તિ અને દેવતાને પ્રસન્ન કરવા વપરાય છે.

બ્રહ્મ સદા વિદ્યમાન છતાં અવ્યકત છે. તેને શબ્દરૂપે જ વ્યક્ત કરી શકાય છે. એટલે મંત્ર નાદબ્રહ્મનું પ્રતીક છે. ચિકિત્સા માટે પણ આ ચારેય પ્રકારનાં મંત્રો ઉપલબ્ધ છે. આ એક અતિ ગહન વિષય છે. આથી તેમાં રસ ધરાવનારે અન્યત્ર ઉપલબ્ધ સામગ્રી જોવી. અહીં ચિકિત્સા માટેનાં મંત્ર વિષે ટૂંકમાં જાણીએ...

“ૐ ત્ર્યંબકં યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ્

ઉર્વા રુકમિવ બંધના મૃત્યો ર્મુક્ષીય મામૃતાત ।।

અર્થાત “અમે તે (ત્ર્યંબક) શિવ ભગવાનની પૂજા કરીએ છીએ જે ત્રિનેત્રધારી, સુગંધિત છે અને અમારું પાલન કરે છે. જેમ પાકું ફળ ડાળથી મુક્ત થાય છે તેમ અમે પણ મૃત્યુ અને નશ્વરતાથી મુક્ત થઈ જઈએ.”

અન્ય મંત્રમાં ગાયત્રી મંત્ર વડે પણ પ્રાણચિકિત્સા કરી શકાય છે. સ્વયં જાપ કરે તો સ્વચિકિત્સા અથવા સંકલ્પ લઈને અન્ય માટે મંત્રજાપ કરીને તેનો લાભ (ફળ) તે બીમાર વ્યક્તિને આપી શકાય છે.