ૐ ભૂ ભૂર્વ: સ્વ: તત સવિતુર્વરેણ્યં
ભર્ગો દેવસ્ય ધીમહિં ધિયો યોન: પ્રચોદયાત્:
આ ઉપરાંત ગણેશ ગાયત્રી, સૂર્ય ગાયત્રી, લક્ષ્મી ગાયત્રી જેવા અનેક મંત્રો છે. જેનો ઉપયોગ રોગનિવારણ કષ્ટભંજન માટે કરવામાં આવે છે. હનુમાન ચાલીસા પણ આનું જ દૃષ્ટાંત છે. પરંતુ બધાનાં મૂળમાં શું? તો કહે છે, શ્રદ્ધાવાન લભેત્, એટલે કે ભાવના એવું ફળ.
(૨) શ્લોક એ સંસ્કૃત ભાષામાં ૧૬ અક્ષરોની કાવ્યાત્મક રચના હોય છે. જેમાં મોટે ભાગે દેવી, દેવતાઓની પ્રશંસા, તેમનાં રૂપ અને ગુણોની પ્રશંસા રહેલી હોય છે. વેદમાં આવા ૧ લાખ શ્લોકનો સંગ્રહ છે. કેટલાક શ્લોક ચિકિત્સા માટેની પ્રાર્થના રૂપે સર્જાયા હોય છે.
(૩) સ્તુતિ: એ પ્રાર્થનાનું જ એક રૂપ છે. પ્રાર્થના સાધારણ રૂપમાં કરાતી હોય છે. જ્યારે સ્તુતિ કરવા માટે પ્રથમ પૂજાઅર્ચના કરી લેવામાં આવે છે. ત્યારબાદ સ્તુતિ કરવામાં આવે છે. જેમાં સૂર અને લય સહિત માધુર્ય વણાયેલ હોય છે. વૈદિક કાળમા ઋષિગણ અગ્નિ, ઇન્દ્ર, વરુણ, વાયુ વગેરે પ્રાકૃતિક તત્ત્વોને પોતાના દેવતા માનતા હતા અને તેમની સ્તુતિઓ રચતા હતા અને તેમના પ્રતિ સન્માન, આદર અને ધન્યવાદ વ્યક્ત કરતા હતાં. ઈશ્વરની સ્તુતિનો અર્થ છે કે ઈશ્વરનાં જેટલાં ગુણ, કર્મ અને સ્વભાવ, સ્વરૂપની પ્રશંસા, ગુણ ગાન કરવાં, કોઈપણ સ્તુતિ, સ્તોત્રમાં મૂળરૂપથી પરમાત્માનાં વિભૂતિરૂપનાં મહત્ત્વ વિશે, મહિમાનાં ગુણગાન હોય છે. તે કરવાથી અહંકાર ક્ષીણ થવા માંડે છે. તેનાં મહિમા વિશે ચિત્ત સ્થિરતાપૂર્વક કાર્યશીલ થવાથી કાળ ભૂંસાય છે. અને મહિમાનું રહસ્ય તેવા જ ગુણ, ભાવના અને પરિણામ બાહ્ય જીવનમાં તેની અસરો જેને ફળ કહે છે તે ઉત્પન્ન થવા માંડે છે. આ જીવન પરિવર્તનો લાવવા માટેનો અકસીર ઉપાય અને ઉદ્દેશ્ય રચયિતાનો હોય છે. તેનાં આવર્તનો થતાં તે પ્રગાઢ બને છે. સારા આચાર થવાથી શુદ્ધ સત્ત્વમાં વૃદ્ધિ તેનાથી જ્ઞાન અને જ્ઞાન વડે મુકિત અને મુકિત વડે અનંત સુખ પ્રાપ્ત થાય છે. પરિણામે તે પોતાને પરમાત્મા, વ્યાપક, અદૃશ્ય, અલખનિરંજન, અવિનાશી, સર્વયજ્ઞ, સર્વશક્તિમાન, ઐશ્વર્યયુક્ત જાણે છે. સાંસરિક સુખ, દુઃખ તો ક્યાંય અદૃશ્ય થઈ જાય છે. છે ને અદ્ભૂત ઉપાય\!
(૪) યજ્ઞ: યજ્ઞનું સંપૂર્ણ વર્ણન વેદોમાં જોવા મળે છે. તેનું બીજું નામ અગ્નિપૂજા છે. યજ્ઞનો અર્થ દેવપૂજા, દાન અને સંગતિકરણ છે. સંગતિકરણનો અર્થ છે સંગઠન. તેનો પ્રમુખ ઉદ્દેશ્ય ધાર્મિક લોકોને સત્પ્રયોજન માટે સંગઠિત કરવા. રામાયણ-મહાભારતમાં અનેક પ્રકારનાં યજ્ઞોનાં વર્ણન જોવા મળે છે. દા.ત. રાજસૂય યજ્ઞ, અશ્વમેધ યજ્ઞ વગેરે. યજ્ઞમાં હવનકુંડ બનાવી, તેમાં અગ્નિદેવતા પ્રગટ કરી, હવનસામગ્રી વડે ચોક્કસ દેવનું મંત્રોચ્ચારણ દ્વારા આવાહન કરીને અગ્નિમાં હવન સામગ્રીનું બલિદાન ‘સ્વાહા’ વડે અર્પણ કરાય છે. તે દેવ અદૃશ્ય હોવાથી, અગ્નિદેવ જે પ્રત્યક્ષ રૂપમાં પ્રગટ થયા હોય તેમને આહૂતિઓ અર્પણ કરાય છે. અગ્નિદેવ તેનો સુૂક્ષ્મ ભાગ જે તે દેવને પહોંચાડે છે. તેનાં વડે પર્યાવરણ પણ શુદ્ધ થાય છે. પુત્રેષ્ઠી યજ્ઞ, મેઘયજ્ઞ, ગાયત્રી યજ્ઞ વગેરે તેનાં અન્ય ઉદાહરણો છે. યજ્ઞ દ્વારા રોગમુકિત, ચિકિત્સા વગેરે પણ કરી શકાય છે. રસ ધરાવનારાઓએ અન્યત્ર વિપુલ માહિતી ઉપલબ્ધ હોવાથી જોઈ, જાણી લેવા વિનંતી.
(૫) શાંતિપાઠ: સ્તુતિ, સ્તોત્ર, યજ્ઞ સંપન્ન કર્યા બાદ શાંતિપાઠ અચૂક કરવામાં આવે છે. જેમાં મંત્રોની રચના ત્રિવિધ તાપોની શાંતિ, વ્યક્તિ માટે, કુટુંબ માટે કે સર્વજન મંગલ હેતુસર થયેલી હોય છે.
સર્વે જના: સુખિનો ભવન્તુ એટલે કે સૌ લોકોને સુખ પ્રાપ્ત થાઓ. જેવી ઉદાત્ત ભાવના અહીં કરવામાં આવે છે.
સર્વે જના: સુખિનો ભવન્તુ, સર્વે સન્તુ નિરામય:
સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત્ દુઃખ ભાગ ભવેત્ ।।