અસતો મા સદગમય, તમસો મા જ્યોતિર્ગમય
મૃર્ત્યો મા અમૃત ગમય, ૐ શાંતિ: શાંતિ: શાંતિઃ ।।
II
મારા / અમારા
પાંચ પ્રાણો, પાંચતત્ત્વો, પાંચ તન્માતાઓ, પાંચેય જ્ઞાનેન્દ્રિયો, પાંચેય કર્મેન્દ્રિયો, સાતેય કોષો, અંતઃકરણ (મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર) અને વિચારો, લાગણીઓ, આખોય સંસાર ભાવ તેમ જ કર્મો શુદ્ધ થાઓ.
હું/અમે પવિત્ર, પાપરહિત, જ્યોતિસ્વરૂપ બ્રહ્મ સાથે એકરૂપ થવાની જ અભિલાષા સેવું છું. હું તે અવિનાશી, અનંત, દિવ્ય તેજોમય બ્રહ્મ સાથે હવેથી એકરૂપ છું.”
છે ને અદ્ભુત\! તો શરૂ કરી દો અને ઊઠો, જાગો અને જીવનનું સર્વોચ્ચ લક્ષ્ય હાંસલ કરી લો.
(૬) સંસ્કાર: વેદોક્ત ૧૬ સંસ્કારોની વિધિઓનું વિસ્તૃત વર્ણન મળે છે. જેમાંથી કેટલાક આજે પણ કેટલાક હિંદુ, સનાતની કુટુંબોમાં પ્રથારૂપે યોજવામાં આવતા હોય છે.
(૧) ગર્ભાધાન સંસ્કાર
(૨) પુસંવન સંસ્કાર
(૩) સીમન્તોજ્યન સંસ્કાર
(૪) જાતકર્મ સંસ્કાર
(૫) નામકરણ સંસ્કાર
(૬)નિષ્ક્રમણ સંસ્કાર
(૭) અન્નપ્રાશન સંસ્કાર
(૮) મુંડન સંસ્કાર
(૯) કર્ણભેદન સંસ્કાર
(૧૦) ઉપનયન સંસ્કાર
(૧૧) વિદ્યારંભ સંસ્કાર
(૧૨) વેદારંભ સંસ્કાર
(૧૩) કેશાંત સંસ્કાર
(૧૪) સમાવર્તન સંસ્કાર
(૧૫) વિવાહ સંસ્કાર
(૧૬) અંત્યેષ્ટિ સંસ્કાર.
સંસ્કાર શબ્દનો અર્થ છે શુદ્ધિકરણ. જીવાત્મા જ્યારે એક શરીર ત્યાગીને બીજો જન્મ લે છે તો તેનાં પૂર્વજન્મનાં પ્રભાવો તેની સાથે આવે છે. આ પ્રભાવનો વાહક સૂક્ષ્મ શરીર હોય છે જે જીવાત્મા સાથે એક સ્થૂળ દેહને છોડીને બીજા સ્થૂળ શરીરમાં જન્મ લે છે. આ પ્રભાવોમાં કેટલાક સારા હોય છે તો કેટલાક ખરાબ. સંસ્કારોનો ઉદ્દેશ્ય એ છે કે પૂર્વજન્મનાં ખરાબ સંસ્કારોનો અંત આવે અને સારા પ્રભાવોની ઉન્નતિ થાય.
સંસ્કારનાં બે રૂપ હોય છે. એક આંતરિક રૂપ અને બીજું બાહ્ય રૂપ. જેમાંથી બાહ્ય રૂપને રીતિરિવાજ કહે છે જે આંતરિક રૂપનું રક્ષણ કરે છે. આપણો આ જીવનમાં પ્રવેશ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે પૂર્વજન્મમાં જે અવસ્થા સુધી આપણે આત્મિક ઉન્નતિ કરેલી હોય ત્યાંથી આગળ આ જન્મમાં વધુ ઉન્નતિ કરી શકીએ. આંતરિક રૂપ આપણી જીવનચર્યા છે તે કેટલાક નિયમો પર આધારિત હોય ત્યારે જ મનુષ્ય આત્મિક ઉન્નતિ કરી શકે. આ વિધિઓ દ્વારા જાતકનાં શરીર, મન અને મસ્તિષ્કને પવિત્ર કરવા માટે યોજાયેલી હોય છે.
આમ જન્મપૂર્વેથી જ ગર્ભાધાન, પુંસવન અને સીમંત ત્રણ સંસ્કાર કરવામાં આવે છે. આ ત્રણનો ઉદ્દેશ્ય માતાપિતાની જીવનચર્યા એવી બનાવવી જેથી સારા સંસ્કારી બાળકો જન્મ લે. જાતકર્મ, નામકરણ, નિષ્ક્રમણ, અન્નપ્રાશન, મુંડન અને કર્ણભેદન આ છ સંસ્કાર ૫ વર્ષ સુધીમાં જ સમાપ્ત થઈ જાય છે. બાલ્યઅવસ્થામાં જ વ્યક્તિની ટેવો બને છે. આથી આ સંસ્કાર જલ્દી જલ્દી રાખવામાં આવ્યા છે. ઉપનયન અને વેદારંભ સંસ્કાર બ્રહ્મચર્યાશ્રમ પૂર્વ સાથે સાથે કરાય છે. સમાવર્તન અને વિવાહ સંસ્કાર ગૃહસ્થાશ્રમ પ્રવેશ પૂર્વે કરવામાં આવે છે. જ્યારે છેલ્લો અગ્નિ (અંત્યેષ્ટિ) સંસ્કારનો મૃતકની આત્મા સાથે કોઈ સબંધન હોતા, મૃત શરીરને સુગંધિત પદાર્થો વડે સળગાવી વાયુમંડળમાં ફેલાવવાનો હોય છે જેથી દુર્ગંધ વગેરે ન ફેલાય\!
આમ આ ૧૬ સંસ્કારોની વિધિ હિંદુ સનાતન ધર્મની એક લાક્ષણિકતા ગણી શકાય.
૭ પિતૃતર્પણ: ઘણીવાર આપણા મનમાં પ્રશ્ન ઉદ્ભવે છે કે તે પુન: જન્મ છે અને આત્મા બીજું શરીર ધારણ કરે છે. તો શ્રાદ્ધ/ પિતૃતર્પણ શા માટે કરવું? અથવા જો તે હંમેશાં આત્મા જ રહે તો પુન:જન્મની શું વાત? આ રહસ્યને જાણવા માટે સમજવું રહ્યું\!
જ્યારે આત્મા શરીર ત્યાગીને અન્ય દેહ ધારણ કરે છે ત્યારે તે આ જન્મમાં મેળવેલાં સંસ્કારો કર્મોની છાપ તેનાં સૂક્ષ્મ દેહમાં સાથે લઈને જાય છે. આ સંસ્કારો બીજું કાંઈ નથી. પણ ઊંડી લાગણીઓ જે તેણે આ જન્મમાં ખૂબ જ તીવ્રતાથી જીવી છે. જેમ કે કોઈ પ્રત્યે અતિશય આસક્તિ, કોઈ પ્રત્યે ઊંડો ગુસ્સો, કોઈ અપરાધ, કોઈક અન્ય તીવ્ર લાગણીઓ મોહ, ભય, વગેરે.. જે કોઈપણ તે વ્યકિતનાં મન પર ખૂબ ઊંડી અસર કરે છે.
શ્રાદ્ધવિધિ પૂર્વજો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે કરવામાં આવે છે. આ જન્મના આસક્તિ અને દ્વેષની અસરોમાંથી મુકત થવા માટે પોતાનાં પૂર્વજોને પ્રાર્થના કરવાનાં દિવસોને પિતૃપક્ષ કહેવામાં આવે છે. હવે પ્રશ્ન એ છે કે શ્રાદ્ધવિધિ કરવાથી શું થશે? તેથી એવું માનવામાં આવે છે કે શ્રાદ્ધ આપણાથી વિદાય થયેલ જીવાત્માની શાંતિ માટે કરવામાં આવે છે. જીવાત્માની શાંતિ એટલે તેને સંદેશ આપવો કે તમારા વંશજો તમારા આભારી છે અને તમારી અધૂરી જવાબદારીઓ નિભાવશે.
તર્પણ એ પૂર્વજોની આગળની યાત્રા માટે કૃતજ્ઞતાનું પ્રતીક છે. મંત્રો અને અન્ય ધાર્મિક વિધિઓ તે જીવાત્માને અવ્યવસ્થિત લાગણીઓની અસરોમાંથી મુક્ત થવા માટે મદદ કરવા માટે કરવામાં આવે છે. આપણી તીવ્ર લાગણીઓનાં તરંગો દિવંગત જીવાત્માઓ સુધી પહોંચે છે, તેથી જ કહેવાય છે કે જે ગયા છે તેનાં વિશે ખરાબ શબ્દો ન બોલવા જોઈએ. કારણ કે આપણો પ્રેમ તે જીવાત્માને મજબૂત બનવામાં મદદ કરે છે અને નફરત તેને નબળો બનાવે છે. તેમની યાદોમાં દર્દ મોકલવાથી તે પરેશાન થાય છે. તેથી આપણને જન્મ અને જીવન આપનાર આપણા પૂર્વજોને આગળની યાત્રા માટે કૃતજ્ઞતા વ્યકત કરવી એ આપણી ધર્મની સાથે સાથે વંશજોની ફરજ પણ છે.
જોકે તર્પણ વગેરે ઘરે પણ કરી શકાય છે પરંતુ ગયા, ચાણોદ વગેરે સ્થળોએ પિતૃઓને પિંડદાન અર્પણ કરવાનું વિશેષ મહત્ત્વ છે. પિતૃઓ પ્રત્યે આદરભાવપૂર્વક કરવામાં આવેલી મુક્તિ માટેની વિધિને શ્રાદ્ધ કહે છે. અને દેવતાઓ, ઋષિઓ અને પૂર્વજોને તાંદુલ, તલ મિશ્રિત જળ અર્પણ કરવાની અને તૃપ્ત કરવાની ક્રિયાને તર્પણ કહેવામાં આવે છે. તર્પણ ચઢાવવાને પિંડદાન કહેવાય છે. આ વિધિઓ કરવાથી મૃતકનાં વંશજોને પણ ઋણ અદા કર્યાનો સંતોષ થવાથી ચિત્ત શાંત થાય છે અને અચાનક થયેલાં અવસાનને પરિણામે ઉત્પન્ન થયેલાં દુઃખ, દર્દ, પીડા, પરેશાનીમાંથી મુક્ત થવાની લાગણી ઊભી થતાં પુન: શાંતિ પ્રાપ્ત થાય છે.
(૮) ગ્રહશાંતિ: એટલે ગ્રહોની શાંતિ માટે કરાતી કર્મકાંડીય વિધિ. વ્યક્તિનાં જીવનમાંનાં નવગ્રહોની સારીનરસી અસરો આવે છે એવી પ્રચલિત માન્યતા છે. આથી પ્રત્યેક શુભ કાર્યોની શરૂઆતમાં ગણપતિપૂજન સંપન્ન કર્યા બાદ નવગ્રહોને શાંતિ માટેનાં મંત્રોનાં ઉચ્ચારણ કરવામાં આવે છે. તેમજ યજ્ઞવેદીમાં અગ્નિદેવનું આવાહન કરી તેમાં નવગ્રહોના માટેની આહુતિઓ અર્પણ કરવામાં આવે છે.
“વિધારંભે, વિવાહે, ગૃહપ્રવેશ તથા નિર્ગમને તથા” એટલે કે વિદ્યાનો આરંભ કરતાં પહેલાં યજ્ઞોપવિત ધારણ કરવાની વિધિ જેને ઉપનયન સંસ્કાર (જ્ઞાનદૃષ્ટિ મેળવવાની લાયકાત પામવા માટે કરાય છે) જેનાં અંતઃગત ગ્રહશાંતિની વિધિ કરાય છે. જેથી પૂર્વનાં સંસ્કારો ભૂંસાઈને પછી સંસ્કાર અને વિદ્યાગ્રહણ થઈ શકે. લગ્ન પહેલાં વિવાહ સંસ્કારમાં પણ વર અને વધુ બંનેનાં ઘરે આવી ગ્રહશાંતિ કરવામાં આવે છે જેનો ઉદ્દેશ્ય લગ્ન જીવનમાં સંવાદિતા આવે, તદુપરાંત નવા મકાનમાં ગૃહપ્રવેશ પહેલાં પણ ગ્રહશાંતિ કરવાનો ઉદ્દેશ્ય ભવનનિર્માણ દરમ્યાન થયેલ જીવહિંસા અને ભવનની ઊર્જામાં શાંતિ સ્થપાય તેવા બેવડાં પ્રાયશ્ચિત અને શાંતિ માટેની પ્રાર્થનાનું સમાયોજન હોય છે.
(૯) ગંગાપૂજન: આ વિધિ પણ ઘરે, નદીકિનારે અથવા ગંગાતટે યોજાય છે જેનો હેતુ પિતૃઓનાં દોષમાંથી મુક્તિ થવા માટે દોષ નિવારણ અર્થે કરવામાં આવે છે. આ વિધિ કરનારને મુખ્યત્વે અપરાધબોધને કારણે ઉત્પન્ન થયેલી અશાંતિ, અજંપો, દુ:ખ, પીડા, પરેશાનીની લાગણીઓમાંથી મુકિત મળે છે તેમને પ્રાયશ્ચિત થઈ ગયાનાં સંતોષનાં પરિણામસ્વરૂપ આગળનાં જીવનમાં સ્વસ્થતાપૂર્વક આગળ વધવામાં મદદ મળે છે. અપરાધ બોધનાં કારણે કુંઠિત થયેલી માનસિકતામાંથી તેઓ મુક્ત થઈને સ્વસ્થ જીવન જીવવામાં મદદરૂપ થાય છે.
(૧૦) નવચંડી: ચંડીપાઠ. આ એક સર્વગ્રાહી આખા દિવસની વિધિ હોય છે જેનો ઉદ્દેશ્ય – પાપકર્મોની શાંતિ પ્રાયશ્ચિત રૂપે તેમજ પુણ્ય કર્મોની વૃદ્ધિ જીવનમાં થાય તે માટે કરાય છે. ગણેશપૂજા, નવગ્રહશાંતિ બાદ શક્તિની આરાધના, યજ્ઞબલિદાન અને શકિત માટે દેવીસ્તુતિ, આરતી અને ક્ષમાપનાની વિધિઓ ઉપરાંત ચંડીપાઠનાં આવર્તનો હોય છે. આ વિધિ કરાવનાર દંપતીને પ્રાણમય કોષ, મનોમય કોષ, અને કારણદેહમાં સકારાત્મક ઊર્જાઓ વડે ખૂબજ બળ પ્રાપ્ત થાય છે જેની અસર તેમના શારીરિક દેહ પર પણ અચૂક આવે છે.
ચંડીપાઠ પણ આશરે ૪ કલાક શક્તિનાં દેવી સ્વરૂપ, માહાત્મ્ય વગેરેનું વર્ણન કરતો ૧૫ અધ્યાયો, ૩ રહસ્યો સહિતનો અદ્ભુત ગ્રંથ છે. તેનું વાચન કરનાર સ્નાન, શૌચ વડે સ્વચ્છ શુદ્ધ થઈ ન્યાસની વિધિ કરી, મંત્રજાપ બાદ વાચન કરે છે. આ માટે ખૂબ જ વિશ્વાસ, ધીરજ, તપશ્ચર્યા જરૂરી છે. તેનાથી વાચકમાં બધાજ કોષોનાં વિકારો દૂર થઈ શક્તિ અને શાંતિ પ્રગટાવે છે. કોઈપણ કારણસર જીવનમાં અટકી પડેલાં કામોને પરિણામે વ્યાપેલી નિરાશા, દુઃખ વગેરેને દૂર કરવામાં ખૂબ મદદ મળે છે.
આમ આ બધા જ પ્રયોગો, (ઉપાયો) નો ઉદ્દેશ્ય વ્યક્તિને પંચકોષમાં શુદ્ધિ કરીને પુન: ઊર્જાવત્ કરવાનો હોય છે. શ્રદ્ધાનું બળ અદ્ભુત હોય છે. બાકી તર્ક કરનારા તેનાથી વંચિત જ રહે છે. એટલે જ કહે છે “ભાવના તેવું ફળ\!”
VI
વૈદિક કાળનાં ઋષિઓ મહાન સંશોધકો હતા. જીવન અને તેની પ્રત્યેક સમસ્યાઓ અને તેનું સમાધાન કેવી રીતે લાવવું તે અંગે તેઆેએ કરેલું અધ્યયન અદ્ભુત છે. સૌપ્રથમ તેમણે પ્રકૃતિ પર સંશોધનો કરીને શોધ્યું કે પ્રકૃતિ સત્ત્વ, રજ, તમ, ત્રિગુણાત્મક છે. ત્યાર બાદ તેઓએ શોધ્યું કે તેમાં બે દોષ ઉત્પન્ન થાય છે. રાગ અને દ્વેષ જેનાં પરિણામે ૫ કલેશ, ૫ ભેદ અને ૫ ભ્રાંતિ થાય છે. આના નિવારણ હેતુ તેઓએ ૫ યમ, ૫ નિયમ અનુશાસન માટે યોજ્યા અને નીતિપૂર્ણ વ્યવહાર જીવનમાં કરવાની શિખામણ સાથે ૪ આશ્રમ, ૪ વર્ગ અને તેને લગતી આચારસંહિતા આપી.
કહે છે ને કે “આચાર પરમો ધર્મ” એટલે ધર્મપૂર્વક આચાર કરવાનો અમૂલ્ય ઉપદેશ કર્યો.
સત્કાર્ય એટલે વ્યકિતને અત્યારે પણ સાચવે, મદદ કરે, રક્ષણ આપે, માર્ગદર્શન કરે. જેથી તે પોતાનાં કે અન્ય પ્રત્યે વિરોધી આચાર જેને અસત્કાર્ય ન કરી બેસે. આજ તો છે પાપ અને પુણ્યની સંકલ્પનાઓ. તેઓ જાણતાં હતા કે અસત્કાર્ય કે પાપ કરવાનાં શું પરિણામો આવે તેથી વ્યક્તિ જીવનમાં તેવાં કૃત્યો ન કરી બેસે એ માટે, શાસ્ત્ર શ્રવણ, મનન, ચિંતન નિદિધ્યાસન, ધ્યાન, સમાધિ, નવ પ્રકારની ભકિત, સેવા, સત્સંગ, શાસ્ત્ર વાચન, શ્રવણ, દાન, પ્રાર્થના જેવાં સત્કાર્યમાં જીવન પ્રયોજીને નીતિપૂર્વક જીવનવ્યવહાર ચલાવવા માટેનાં નિર્દેશો પણ આપ્યા, બોધ કર્યો, નીતિવિષયક શિક્ષણ આપ્યું.
તેઓ જાણતા હતા કે અનીતિપૂર્વકનાં વ્યવહારને કારણે સામાજિક અને વ્યક્તિગત બંને બાજુએ જીવન વિનાશક અસરો ઊભી થશે. પાપકર્મ વ્યકિતને અસમતોલ, અશાંત અને ગુનાહિત લાગણીઓમાં લાવી તેનો વિનાશ કરે છે. પુરાણોમાં આવા અનેક દૃષ્ટાંતો મોજૂદ છે. દા.ત. પરીક્ષિત રાજા નીતિપૂર્ણ ધર્મનિષ્ઠ હોવા છતાં મુગટમાં બેઠેલાં કલિ (માયા)ને પરિણામે ઋષિનાં ગળામાં અહંકારવશ મરેલો સાપ પહેરાવ્યો. પાછા ફરતાં મહેલે મુગટ ઉતારતાં પાપ થયાનું ભાન થવાથી ખૂબ દુઃખી થયો અને પાપનાં પ્રાયશ્ચિત માટે રાજ્ય દિકરા જનમેજ્યને સોંપી ગંગાકિનારે શુકદેવજીને પાપનિવારણ માટે મદદ કરવા પ્રાર્થના કરી...
આમ પણ કહે છે કે પાપનો બોજો ખૂબ જ લાગે. “કૌન ભૂમિ સે ભારી?” તો કહે છે “પા૫ ભૂમિથી ભારી.” પાપનાં બોજા હેઠળ દબાયેલ મન અતિશય અશાંત થાય, તેમાં ખળભળાટ ચાલે, આમ કરું કે આમ એવાં વિકલ્પોનાં દ્વંદ્વમાં સવાર પડે, અનિદ્રા થવાથી વ્યકિત ફરી વધુ ચીડ, ગુસ્સો, અકળામણ અને ઘણીવાર હિંસા (મનમાં, વાણી દ્વારા) કે શારીરિક હત્યા સુધી પણ કરી બેસે.
હા, એમ જ કહેવા માગું છું કે પાપ કે અસત્કાર્ય કોઈ કરતું નથી, તે તેનાથી થઈ જાય છે. વ્યક્તિ અહંકારની અસર હેઠળ આંધળો થઈ જતાં તેને સાર-અસાર, યોગ્ય-અયોગ્યનો ભેદ વિવેકભ્રષ્ટ થવાથી જણાતો જ નથી અને તે ઘોર કૃત્યો કરી બેસે છે. આથી તેનાં ઉપાય, નિવારણ અને પ્રાયશ્ચિતની વિધિઓ પણ તેમાંથી મુક્તિ હેતુ પ્રયોજી છે. જૈનો કર્મદોષ નિવારણની વિધિ કરે છે. ખ્રિસ્તી લોકો કન્ફેશન કરે છે. મુસ્લિમો પણ ગુનાહ કબૂલાત કરી રહેમ ઇચ્છે છે. સનાતનમાં તો એટલું ઊંડાણ છે કે અમુક પાપનું અમુક પ્રાયશ્ચિત એવા ચોક્કસ રામબાણ ઉપાયો બતાવ્યા છે. (રસ ધરાવનારે ઉપલબ્ધ સાહિત્ય જોઈ લેવું)
સર્વ દોષનિવારણ મંત્રો, સ્તુતિઓ બધું ઉપલબ્ધ જ છે. કરવાની ભાવના થવી જોઈએ. બોજામુક્ત થવા માટે માત્ર બોજો (મન પરનો) ફેંકી દેવો પડે. પણ માયા બોજાનીય માયા લાગે છે લોકોને અને ઘણું કહેવા છતાં, જાણવા છતાં ફેકી શકતો જ નથી. Such is the Magical Power of Maya.
પણ જો એમ લાગતું હોય કે “મારાથી જાણેઅજાણે કાંઈ (ખોટું) થયું છે તો હૃદયની પૂરી સચ્ચાઈથી, પ્રામાણિકપણે તેનો સ્વીકાર, કબૂલાત અને ફરી એમ ન કરવાનો દૃઢ નિર્ણય કરવો જોઈએ. કયાં સુધી? તમે ભોજન ક્યાં સુધી કરો છો? તમે ભોજન કરવાનું કયારે અટકાવો છો? અંદર ખબર પડે છે\! તે આમાં પણ તેવી જ ખબર પડશે\!
I intend and release,
All the causes and effects,