પ્રાણ
यदिदं किञ्च जगत्सर्वं प्राण एजति निःसृतम् । (2)
આ સંપૂર્ણ વિશ્વ એ પ્રાણરૂપ બ્રહ્મથી જ નિઃસૃત (પ્રગટ) થઈને એમાં જ ગતિશીલ છે.
કઠોપનિષદની ત્રીજી વલ્લીનાં બીજા શ્લોકનો પ્રથમ પાદ આમ જણાવે છે. એજ રીતે કેનોપનિષદમાં પ્રશ્ન પૂછે છે “કોના દ્વારા પ્રેરિત કરવામાં આવેલ આ મન પોતાના વિષયો સુધી પહોંચે છે? કોના દ્વારા નિયોજિત કરવામાં આવેલ આ શ્રેષ્ઠ પ્રાણ ચાલે છે?”
પ્રાણ જ સમસ્ત પ્રાણીઓનું આયુષ્ય છે. તેનાં વડે જ આ બધાં પ્રાણીઓમાં જીવન ચાલે છે જે પ્રાણરૂપ બ્રહ્મની ઉપાસના કરે છે તે દીર્ઘ આયુષ્ય મેળવે છે. (બ્રહ્માનંદ વલ્લી)
स एष वैश्वानरो विश्वरूपः प्राणोऽग्निरुदयते । तदेतदृचाभ्युक्तम् ॥
એ સૂર્યદેવ જ વૈશ્વાનર અગ્નિરૂપ, વિશ્વરૂપ અને પ્રાણરૂપ બનીને પ્રગટ થાય છે.
ઉપનિષદમાં એક વાત આવે છે તેમાં મહર્ષિ પિપ્પલાદને શિષ્ય પ્રશ્ન કરે છે “દેવતાઓ કેટલાં છે તેમાં વરિષ્ઠ કોણ?” મહર્ષિએ જણાવ્યું કે આકાશ, અગ્નિ, જળ, પૃથ્વી (પંચભૂત) તથા મન, વાણી, નેત્ર, કાન આ બધા જ દેવોએ કહ્યું અમે શ્રેષ્ઠ છીએ. તેમાંનાં પ્રાણે કહ્યું – આપ મોહ છોડી દો. હું જ પોતાના પાંચ વિભાગો અવયવોથી આ શરીરને આશ્રય આપી ધારણ કરું છું. પ્રાણની આ વાત પર દેવતાઓને વિશ્વાસ બેઠો નહીં ત્યારે પ્રાણ ઉપર ઊઠીને બહાર નીકળવા સાથે જ વાણી, મન, શ્રોત વગેરે શરીરની બહાર નીકળવા લાગ્યા. જ્યારે એ રોકાઈ ગયો તો ઉપરની બધી ઈન્દ્રિયો રોકાઈ ગઈ. આમ પ્રાણની વરિષ્ઠતા સાબિત થઈ.
હવે આ પ્રાણની ઉત્પત્તિ ક્યાંથી થાય છે? એ આ શરીરમાં કેવી રીતે પ્રવેશ કરે છે? કઈ રીતે શરીરની બહાર આવે છે અને કઈ રીતે બહાર તથા અંદરનાં શરીરને ધારણ કરે છે? સામાન્ય રીતે પ્રાણતત્વની અનુભૂતિ મુશ્કેલ છે. તેની ઉત્પત્તિ અને નિયોજનનો ક્રમ એથીય જટિલ છે. મહર્ષિ કહે છે કે “આ પ્રાણની ઉત્પત્તિ આત્માથી થાય છે. જેમ પડછાયો દેહધારીનાં દેહથી ઉત્પન્ન થાય છે તે જ રીતે પ્રાણ આત્માથી ઉત્પન્ન થઈને એમાં જ આશ્રિત છે. આ પ્રાણ મનનાં સંકલ્પથી શરીરમાં પ્રવેશ કરે છે. મનમાં જે ચલનશક્તિ છે તે પ્રાણની છે, જ્યારે જ્ઞાનશક્તિ છે તે ચૈતન્યની છે. જે ચલન છે, તે અનિત્ય (nonpermenant) અને સતત પરિવર્તનશીલ છે. જ્યારે જ્ઞાન છે તે નિત્ય, સ્થિર, શાંત સદાય સ્વચ્છ છે અને પાછું વ્યાપક પણ છે. પ્રમુખ પ્રાણ જાતે જ મુખ અને નાક દ્વારા નીકળતાં નીકળતાં આંખો અને કાનમાં સ્થાપિત થાય છે. તે ગુદા અને ઉપસ્થેન્દ્રિયમાં અપાન વાયુને નિયુક્ત કરે છે. મધ્યભાગમાં સમાન વાયુ સ્થાપે છે તે અન્નને સમાનતાપૂર્વક પૂરા શરીરમાં વિતરિત કરે છે.
આ પ્રાણરૂપી અગ્નિથી સાત જ્વાળાઓ ઉત્પન્ન થાય છે. આ મૂળ પ્રાણ પ્રત્યેક જીવંત પ્રાણીઓ (મનુષ્યો) માં હૃદયપ્રદેશમાં રહેલો છે. જ્યાં ૧૦૧ નાડીઓ છે. જેમાં પ્રત્યેકની ૧૦૦ શાખાઓ છે અને તે પ્રત્યેકની ૭૨૦૦૦ પ્રતિશાખાઓ છે. આ બધી નાડીઓમાં વ્યાન વાયુ સંચરિત થાય છે. આ બધામાં એક સુષુમ્ણા નાડી ઊર્ધ્વગામી છે. આદિત્ય (સૂર્ય) એ બહારનો પ્રાણ છે જે ચક્ષુ-સંબધી પ્રાણને અનુગ્રહિત કરે છે. પૃથ્વી તત્વ અપાન વાયુને આકર્ષિત કરે છે. આ બંને વચ્ચેનાં આકાશમાં સમાન વાયુ છે. સુષુમ્ણા વાટે ઉદાન વાયુ ઉર્ધ્વગતિ કરાવે છે.