અનંતની યાત્રાAnant ni Yatra
પ્રાણ ચિકિત્સા દ્વારા આત્મ સાક્ષાત્કાર પાર્ટ 2

मंत्र

ભાગ ૬ / ૪૪ · મૂળ PDF

ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय \[वज्रजलौकाहस्ताय\] सर्वाभयविनाशाय त्रैलोकयनाथाय श्री महाविष्णवे स्वाहा ।

गायत्री मंत्रम्

ॐ वासुदेवाय विध्मेह सुधाहस्ताय धीमहि ।

तन्नो धन्वन्तरिः प्रयोदयात ।

तारक मंत्रम्

ॐ धं धन्वन्तरे नमः ।

\[पाठान्तरः\]

औ नमो भगवंते महासुदर्शनाय वासुदेवाय धन्वन्तरे अमृतकलशहस्ताय सर्वभयविनाशाय सर्वरोग निवारणाय त्रैलौकयवतये त्रैलोकनिधये श्री महाविष्णु स्वरूप श्री धन्वन्तरि स्वरूप श्री श्री श्री औषधचक्र नारायणाय स्वाहा ।

જીવન – વ્યક્તિ – સમષ્ટિ

પરમ ચૈતન્ય જીવરૂપે આનંદમય કોષમાં વસે છે. તે પોતાના મૂળ સ્વરૂપ પર સ્ફુરણશક્તિ વડે આવરાઈને જીવરૂ૫ બને છે. અન્ન વડે નિર્મિત થનાર કોશોનાં સમૂહરૂ૫ શરીરને અન્નમય કોશ કહે છે. જ્યારે આ અન્નમય શરીરરૂ૫ કોશમાં પ્રાણ અને ઉપપ્રાણ સંચરિત થાય છે તેને પ્રાણમય કોશ કહે છે. અન્નમય અને પ્રાણમય કોશોમાં રહેનારું મન ચૌદ ઈન્દ્રિયો દ્વારા શબ્દ વગેરે વિષયચિંતન કરે છે ત્યારે તે મનોમય કોશ કહે છે. આ ત્રણેય અન્નમય, પ્રાણમય અને મનોમય કોશોથી સંયુક્ત થઈને જ્યારે બુદ્ધિ વડે ચિંતન થાય તે બુદ્ધિયુક્ત શરીરને વિજ્ઞાનમય કોશ કહે છે. અને આ ચારેય, અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય કોશોની સાથે જીવાત્મા પોતાનું મૂળ સ્વરૂપ ભૂલીને આનંદમય કોશમાં રહેલો છે.

પૂર્વનાં જન્મોની સૂક્ષ્મ અધૂરી વાસનાએ બીજરૂપે સંસ્કારિત થયેલી મનોમય કોષમાં સંગ્રહિત હોય છે. અને જીવનમાં આવતાં સંયોગોમાં સાનુકૂળતાથી રાગ અને આકર્ષણ અથવા દ્વેષ અથવા વિકર્ષણ અનુભવે છે જે હવે પછીનાં જન્મનું કારણ બને છે. ભવિષ્યનાં વિચારો જ પુનઃ જન્મમાં બીજ છે. તેને પૂરા કરવા જ પડશે. એટલા જન્મ પણ લેવા જ પડશે. આમ કારણ શરીરનાં બે ભાગ સમજી લેવા જોઈએ. એક ભાગમાં પુરીયાષ્ટકમાં રહેલાં (પાંચ ઈન્દ્રિયો - મન, બુદ્ધિ, અહંકાર) પૂર્વ જન્મોની વાસનાઓનાં બીજ રૂપે સંસ્કારો છે જે આ જીવનમાં ઘટનાઓના આકારરૂપ રહેલાં છે. તે આ જીવનમાં કાર્યરૂપે અમલમાં આવે છે. તે દરમ્યાન ઊભા થયેલાં સુખ દુઃખ, ગમો અણગમો વગેરે સંવેદનો સૂક્ષ્મ સ્મૃતિરૂપે કર્માશય કારણદેહનાં બીજા ભાગમાં સંગ્રહ થયા જ કરે છે. અને ભવિષ્યનાં જન્મ, યોનિ, વગેરેનું કારણ બને છે.

જીવનવ્યાપાર આખોય આમ મન, બુદ્ધિ, ચિત્ત અને ઇન્દ્રિય સમૂહમાં પ્રાણ વડે સક્રિય રહે છે. એટલે કે પ્રાણ જ એક ઊર્જા છે તે ઇંધણની માફક વપરાયા કરતી હોય છે. ૧૦ પ્રાણનાં સક્રિય૫ણા વડે જીવન આગળ વધતું હોય છે. જીવનની અવસ્થાઓ શિશુ, બાલ્ય, યુવાની, પ્રૌઢ અને વૃદ્ધાવસ્થા. સહુ માટે સર્વસામાન્ય છે. જેનો અંત મૃત્યુ દ્વારા આવે છે. તે પુનઃજન્મની તકરૂપે સ્પષ્ટ સમજી શકાય છે. આવું સર્વસામાન્ય જન-જીવન ૮૦થી ૧૦૦ વર્ષનું હોય. જો વ્યક્તિ અકાળ અવસાન ઉપરોક્ત અવસ્થાઓનાં કોઈપણ કારણસર ન પામી જાય.

આમ જન્મ અને મૃત્યુ એ જીવનનાં અંતિમ બિંદુઓ છે. જન્મથી જીવન શરૂ થતાં મૃત્યુ વખતે તેનો અંત આવે છે. આ સમગ્ર જીવન દરમ્યાન વ્યક્તિ આહારરૂપે અન્ન, શબ્દ અને પ્રાણનો ઉપભોગ કરતાં જીવતો રહે છે.

આથી આહારશુદ્ધિ, શબ્દ-વિચારશુદ્ધિ અને પ્રાણશુદ્ધિનું ખૂબજ મહત્ત્વ છે. આરોગ્યની પ્રાથમિક જરૂરિયાતોમાં આહાર શ્વસન દ્વારા શબ્દ-વિચાર વડે કાર્યો કરે છે.

આહાર: અન્ન એ જ આહાર કહે છે. શિશુઓ સ્તનપાન દ્વારા પોષણ મેળવે છે. ત્યારે પોષણ સાથે માતાનો પ્રેમ અને હૂંફ, ભલી લાગણીઓ સાથે સંસ્કાર પણ મેળવે છે. આજનાં યુગમાં માતાઓ અપૂરતા પય:સ્ત્રાવને કારણે કે અન્ય કારણો – ડબ્બાબંધ આહાર ખરીદીને પોષણ આપે છે. અહીં શિશુ પોષણ પામે છે પરંતુ સંતોષ, તૃપ્તિ અને પ્રેમ-કરુણાથી કદાચ વંચિત રહી જાય એમ બને. આવો અસંતોષ એને જીવનમાં અમુક કર્મો કરવા પ્રેરી પણ શકે છે.

બાળ અને કિશોર અવસ્થામાં અન્ન બદલાય છે લેવાની પદ્ધતિ પણ બદલાય છે. માતા અને પિતા તેને પ્રેમથી બેસાડીને ભોજન લેતા શીખવે છે. અનુકરણ વડે બાળકો સ્વયં આહાર લેતાં થાય છે. અહીં કે આગળ ઉપર આહારનાં બે ભેદ પડી શકે છે. શાકાહાર અને માંસાહાર આ આહારભેદ સંસ્કારભેદનું કારણ હોઈ શકે છે.

પૂર્વકાળમાં લોકો પોતાનાં ઘરે ભોજન બનાવીને ગ્રહણ કરતાં. ભોજન વેળાએ અન્ય વ્યક્તિની હાજરી અને તેનાં દૃષ્ટિપાત માત્રથી આહાર દૂષિત થયાની સમજ આજનાં ડબ્બાબંધ પડીકાં અને રેસ્ટોરન્ટ, ખૂમચાવાળા, લારીવાળા પાસેથી આહાર ખરીદનારા અને ખાનારા, ખવડાવનારાની સમજણમાં કદાચ ન આવે. પરંતુ અન્ન એવું મન જે કહે છે તે આજનાં અનારોગ્યમય સમાજે ફરી વિચારવું રહ્યું. આજનો માનવી પ્રદૂષિત આહાર, પાણી અને હવા વડે ગુજારો કરતાં આરોગ્ય જાળવવા ઝઝૂમી રહ્યો છે. તેમાં વળી રસાયણિક દવાઓ, વિટામીન (સપ્લિમેન્ટસની ગોળીઓ લેવાની આદતો વડે આરોગ્ય વિષે અનેક સમસ્યાઓ સર્જી છે.

પ્રાણ: હવામાં ફેલાયેલાં પ્રદૂષણે વળી શ્વસનક્રિયામાં ભયંકર સમસ્યાઓ સર્જી છે. ઔદ્યોગિકરણનાં પરિણામ સ્વરૂપ સ્વચ્છ હવા દુર્લભ થતી જાય છે. આથી સ્વચ્છ પ્રાણ પર્યાપ્ત માત્રામાં પ્રત્યેકને ઉપલબ્ધ નથી. એરકંડીશનલ જીવનશૈલીનાં અનેક દુષ્પરિણામો પ્રગટ્યાં છે. આ સમયે વ્યાયામ અને પ્રાણાયામ કરવાની નિતાંત આવશ્યકતા ઊભી થઈ છે.

શબ્દવિચાર: વ્યક્તિના જીવનમાં શબ્દોનું મહત્ત્વ હંમેશા રહેલું છે. વાણીવિચાર શબ્દોથી વ્યક્ત થાય છે. અહીં વાણીનો આશય વિચારોનો આશય સંવાદમાં રંગ પૂરતા હોય છે. વ્યર્થ વિચારો અને અસંબંધિત વાણી પ્રવાહ તંદુરસ્ત મન માટે અત્યંત ભયજનક બની ચૂકયા છે. પ્રત્યેક વ્યક્તિએ પોતાનાં વિચાર અને વાણીમાં સુધાર-પરિવર્તન માટે ખૂબ જ કામ કરવાની જરૂર છે. વાણીનું પ્રદૂષણ માણસોને જીવતાં જ મારી નાંખે તે હદે વધતું જાય છે. સંચાર માધ્યમોમાંથી ઓકાતી નકારાત્મકતાએ સમાજને ગૂંગળાવી નાખ્યો છે. સબળ, સશક્ત, સકારાત્મક વાણી-વિચાર વિશ્વ બને એ આજની તાતી જરૂરિયાત છે.

વ્યકિત અને સમાજનાં આરોગ્ય માટે આ ત્રણ આહારો, અન્ન વાણી-વિચાર અને પ્રાણ શુદ્ધ હોય, સ્વચ્છ હોય અને જીવનઊર્જા પોષક હોય તે ખૂબ જ જરૂરી છે. સબળ મન માટે આ ત્રણે આહારોની પસંદગી નાપસંદગી, ગમો-અણગમો, આહારનો પુરવઠો મેળવવાની આર્થિક ક્ષમતા ઉપર પણ આધારિત છે. સમયની વિચિત્રતા એવી થઈ છે કે સંપન્ન વ્યક્તિઓ પણ દૂષિત આહારશૈલી, જીવનશૈલી કેળવીને ગંભીર બીમારી નોતરે છે.

પોષક સુપાચ્ય આકાર, સૂર્યપ્રકાશ, તાજી હવા અને સકારાત્મક વાણીવિચાર, પૂરતો વ્યાયામ, પર્યાપ્ત ઊંઘ અને આરામ, આરોગ્યની પ્રાથમિક આવશ્યકતાઓ છે. આમાંથી કોઈપણ પરિબળની ક્ષતિને પરિણામે વ્યકિતને આરોગ્ય માટે ગંભીર પડકારરૂપ સમસ્યાઓ લાંબા સમય સુઘી વેઠવી પડે છે. જેની અસર તેનાં મન ઉપર થયા કરતી હોય છે.

વ્યક્તિએ જીવનમાં આવશ્યક અને અનાવશ્યક બાબતો પર પૂરતો વિચાર કરીને ખોટા દેખાડા કરવાની વૃત્તિ પર કાબૂ રાખીને શાંત, આનંદમય, આરોગ્ય સહિત સંવાદિતા સ્થાપીને પોતાનાં જીવનનું, સમાજનું ઘડતર કરવું જોઈએ.

અંતમાં અથર્વવેદ, કાંડ-૧૧, અધ્યાય-૨, સૂક્ત-૪ જેનાં દેવતા પ્રાણ છે. તે કહે છે.

પ્રાણ શરીરમાંથી નીકળી જવાથી મૃત્યુ થાય છે. પ્રાણ પ્રણાજ્વર (તાવ) આદિ રોગરૂપ છે. ઈન્દ્રિયો પ્રાણનું આરાધન કરે છે. સત્ય આચરણથી પ્રાણ લોકદાત્તા છે. પ્રાણની વૃત્તિ જ અપાન અને પ્રાણ છે. વિરાટ પ્રાણની બધા સેવા કરે છે. તેજ સૂર્ય, સોમ અને પ્રજાપતિ છે. જગદાધાર માતરિશ્વા વાયુ પ્રાણ છે. તે ગર્ભસ્થ શિશુને પુષ્ટ કરે છે. વર્ષા દ્વારા પ્રાણ જ ઔષધિઓ, ધાન્ય વગેરે ઉત્પન્ન કરે છે. તમારા ઉપભોગ્ય અન્ન મનુષ્ય-દેવતા ખાય છે શરીરમાં વ્યાપ્ત પ્રાણ હંસ તરીકે ઓળખાય છે. પંચભૂતાત્મક દેહ પ્રાણવૃત્તિ દ્વારાજ ઉપર જાય છે. સંસારને પ્રાણવાન રાખવા માટે પ્રાણ પોતાનો અપાનરૂપ એક પગ ઉપાડતો નથી. પ્રાણ જ સચરાચરનો અધિપતિ છે. પ્રાણ પ્રમાદનિંદ્રા રહિત છે. તે સુઈ જતો નથી. ‘હે પ્રાણ અમારાથી મુખ ફેરવશો નહીં.’

પ્રાણ જ મનોમય બ્રહ્મનો ચોથો પગ છે. (વાણી, પ્રાણ, ચક્ષુ, શ્રોત્ર) એ વાયુરૂપ જ્યોતિથી દિપ્તિવાન અને તેજસ્વી બને છે. યજ્ઞમાં પ્રથમ આહુતિ ‘પ્રાણાય સ્વાહા’ મંત્ર વડે અપાય છે. નૈવેદ્યમાં પણ તેનાં મંત્રનો પ્રયોગ થાય છે. તેમાં વડે પ્રાણ સ્વયં તૃપ્ત થાય છે.

વૈશ્વનર વિદ્યામાં પ્રથમ (પ્રાણાય સ્વાહા) વડે દેહમાં પ્રાણ વ્યાપ્ત કરાય છે. ત્યારબાદ (વ્યાનાય સ્વાહા) વડે કર્ણેન્દ્રિય, (અપાનાય સ્વાહા) દ્વારા વાણી, (સમાનાય સ્વાહા) દ્વારા સમાનરૂપ પ્રાણ અને (ઉદાનાય સ્વાહા) વડે ત્વચાને પ્રાણશકિત અર્જિત કરાય છે.