ભાગ ૧ — વૈરાગ્ય પ્રકરણ · ભાગ ૨
આકુળતાથી ભરેલી બુદ્ધિ કેવળ તપ્યા કરે છે.
વિષયો પર રાગરૂપી રોગ વધ્યા કરે છે અને વૈરાગ્ય ઉપજતો નથી.
રજોગુણથી સત્ વિચાર હણાઈ જાય છે.
મોહ વધતો આવે છે.
સત્તગુણ મળતો નથી અને સત્ય વસ્તુ અત્યંત દુર રહે છે.
જીવન અસ્થિર સ્થિતિ પામે છે.
મતિ મંદપણાથી મેલી થાય છે.
ધીરજ નાશ પામે છે.
નિરંતર તુચ્છ વિષયોમાં જ પ્રીતિ રહે છે.
શરીર નાશ પામ્યા કરે છે.
દેહમાં વૃદ્ધાવસ્થા, રોગ આવી વસે છે.
પરમાનંદ મળતો નથી.
મન મૂંઝાય છે.
પારકાની ઉન્નતિથી પ્રસન્નતા થતી નથી.
ઉજ્જવળ કરુણા ઉદય પામતી નથી.
દુર્જનોની સંગત સુલભ થાય છે.
વાસના સંસાર બાંધ્યા વધાર્યા કરે છે.ઈન્દ્ર અને યમ પણ કાળનાં મોમાં ચવાઈ જાય છે.
# બ્રહ્મા સમાપ્તિ પામે છે.
અજન્મા હરિ પણ હરાઈ જાય છે.
આમાં જ્ઞાની પુરુષ જ પરોપકાર કરનારી પરાઈ પીડાથી પરિતાપ પામનારી અને આત્મવિચારથી શીતળતા પામેલી બુદ્ધિને લીધે સુખી રહે છે.
પરંતુ આપદકાળમાં પણ ખેદ અને મોહને દુર રાખનારા સંપત્તિમાં કોઈ જાતનો મનમાં ગર્વ નહિ ધરવાથી શોભા પામેલાં અને સ્ત્રીઓની લાલચથી અદુષિત રહેલાં અંતઃકરણવાળા મહાત્મા પુરુષો આ સમયમાં બહુ જ દુર્લભ છે.
અહીં કોઈ ક્રિયા પરિણામે ક્લેશ વગરનાં ફળવાળી જોવામાં આવતી નથી.ચિત્ત પ્રથમ શરીર સુખથી અને ધનની લાલચથી ધર્ને અવકાશ ન રાખે એવી ક્રિયાઓ પાછળ દિવસો ગાળી નાખે છે તે કેવી રીતે શાંતિ પામે? ક્રિયાઓનાં જે ફળો પ્રારબ્ધથી પ્રાપ્ત થાય છે તે ચંચળ હોવાથી મોં આગળ હોવા છતાં અપ્રાપ્ત જેવા રહે છે.
તેનાથી દેહાભિમાની લોકો ઠગાય છે.
આટલાં તરત કરીશું અને આટલાં પછીથી કરીશું એમ ધારી રાખવામાં આવતાં અને પરિણામે અનર્થ જ આપનારા કાર્યો સ્ત્રીઓને રાજી રાખવા માટે મનના વેગથી કરવામાં આવે છે.
તે બધાં ઘડપણનાં છેવટ સુધી માણસના ચિત્તને દુઃખજ આપ્યા કરે છે.
વિવેક વિનાના લોકો ભેગાં થઈને પાછા કેટલાક દિવસે વીખરાઈ જાય છે.
ચારેબાજુથી લક્ષ્મી પ્રાપ્ત થયા પછી સંસાર સંબંધી સુખો ભોગવવા લાગીએ ત્યાં તો કોણ જાણે ક્યાંથી મૃત્યુ અચાનક ચાલ્યું આવે છે.
જે દેખાવ દઈને ક્ષણમાત્રમાં જ અદૃશ્ય થઈ જાય છે તે વિષયો આ જગતમાં લોકોને ભમાવી રહ્યાં છે.વાસ્તવિક રીતે સર્વ પંચભૂતોનાં વિકારરૂપ છે.
પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ એ પંચભૂતોનાં અંશોનાં સમુદાયને અવિવેકી પુરુષો ઘટ-પટ પદાર્થો માને છે.
વિવેકથી તેનું પૃથ્થકરણ કરતાં આ જગત પંચભૂતોથી જુદું હોય એવું જણાતું નથી.
જ્યાં સુધી વિષયોમાં દૃઢ રાગ હોય ત્યાં સુધી તત્ત્વજ્ઞાન થઈ શકે નહિં; તે વિષયોમાં રહેલો દૃઢ રાગ સુદૃઢ દોષદર્શન વિના દુર થતો નથી.
સચ્ચિદાનંદ સ્વરૂપવાળા આત્માનું શ્રવણ, મનન કયા છતાં પણ વૈરાગ્ય વિના વિષયીજનોને તે આત્માની પ્રાપ્તિ થઈ શકતી નથી.
સઘળું સ્વપનમાં મળેલી સભાની જેમ અસ્થિર છે.
શુદ્ધિ વૈરાગ્ય ઉપજ્યા પછી જ પરમતત્ત્વને જાણવાની ઉત્કૃષ્ટ જિજ્ઞાસા ઉપજે છે.
શિષ્યનાં સત્ય વિચારને ગુરુજનો પણ વખાણે છે.મુમુક્ષુ પ્રકરણવિશ્વામિત્ર - ‘ઉત્તમ બુદ્ધિવાળા રામને રોગોની જેમ ભોગો પણ ગમતાં નથી.
કોઈપણ ભોગ ગમે નહીં એ જ મનમાં જ્ઞેય વસ્તુ જણાયાનું ચિહ્ન છે.
ઈચ્છારૂપ કારણો વિના જ જેને ભોગો પર અરુચિ થાય છે તે જીવનમુક્ત કહેવાય.
પરમતત્ત્વને જાણવામાં જેટલી જેટલી ન્યુનતા હોય તેટીલ વૈરાગ્યમાં ન્યુનતા રહે છે.’ઉપદેશ આપવાને અયોગ્ય અને વૈરાગ્ય વગરનાં માણસને જો કોઈ ઉપદેશ કરવામાં આવે તો તે ઉપદેશ પણ અપવિત્ર-અર્થહિન થાય છે.
પરંતુ હે વશિષ્ઠ આપણને જે જ્ઞાનોપદેશ સાક્ષાત્ બ્રહ્માએ કર્યો હતો તે આપ રામને આપો.આમ, ઉપદેશ આપવાની સજ્જતા કરવાથી વક્તાપણાનું તેજ મેળવ્યું છે એવાં મહાત્મા વશિષ્ઠ સર્વનું અજ્ઞાન ટાળવા, મુખ્યત્વે કરીને પરમપદને જણાવનારું શાસ્ત્ર નીચે પ્રમાણે કહ્યું.વશિષ્ઠજી બોલ્યાં - પરમાત્મારૂપ ચૈતન્યપ્રકાશની અંદર અનંતકોટિ બ્રહ્માંડો ત્રસરેુણઓની જેમ દેખાઈ દેખાઈને લીન થઈ ગયા છે.
તેમની સંખ્યા ગણી શકાતી નથી.
વર્તમાનકાળમાં પણ એ પ્રકાશની અંદર જે કરોડો બ્રહ્માંડો છે, તેમની કેટલી સંખ્યા છે, તે કોઈથી પણ ગણી શકાતી નથી.
હવે પછી બ્રહ્માંડો રૂપી જે તરંગો ઉત્પન્ન થાય છે, ત્યારે વ્યાસ વગેરે અસંખ્યાત ઉત્પન્ન થાય તેમાં તો આશ્ચર્ય જ શું ?છ પરમાણુઓ મળે ત્યારે એક ત્રસરેણું કહેવાય છે.
બારી કે છાપરમાંથી ઘરમાં પ્રકાશ પડતો હોય તેમાં જે રજકણો ઉડતા પ્રતીત થાય છે તેમાનું નાનું રજકણ ત્રસરેણુ કહેવાય છે.આ અતિવાહિક નામનું જે ચિત્તરૂપી લિંગશરીર છે તેથી જ પોતાનાં હૃદયની અંદર રહેલાં સુક્ષ્મ આકાશ વિષેની ભ્રાંતિ ને લીધે જ (જીવ) આ વાસનામય બ્રહ્માંડ દેખે છે.
તેમજ અનુક્રમે વાસનાથી પ્રાપ્ત થતાં તે તે શરીરોનો અનુભવ કરે છે.
બાકી વાસ્તવિક રીતે તો આત્મા નિર્લેપ જ છે અને જન્મ વગેરે વિકારોથી રહિત છે.
એ પ્રમાણે કરોડો પ્રાણીઓ મરી ગયાં છે, મરે છે અને મરશે.
મરવાનાં સમયમાં દૃશ્ય પદાર્થો જે વાસનામાં લય પામ્યા હોય છે તે વાસનાને અનુસરીને તે પાછા જુદા જુદા પ્રગટ થાય છે.
આ જગતની પરંપરા માનસિક પૂજામાં મનથી બનાવેલાં રત્નમય મંદિર જેવી છે.હૃદયાકાશમાં ઘણા પરિચયથી જગતની દૃઢ છાપ પડી જાય છે, અને જાણે બહાર હોય અને સાચું હોય એવું દેખાય છે.
એ હૃદયાકાશમાં જ જન્મનો, જન્મ પછીની અનેક ક્રિયાઓનાં અને મૃત્યુ વગેરેનો અનુભવ થાય છે.
વળી મરણ પછી પણ તે જ હૃદયાકાશમાં તે જ રીતે પાછી પરલોકની કલ્પના થવા માંડે છે.
સંસારમાં પણ એક વાસનામય દેહની અંદર બીજા વાસનામય દેહો જોવામાં આવે છે.
મરેલાં જીવોને પૃથ્વી વગેરે પંચભૂતોનાં ગણો સાથે કે તે તે લોકમાં ભ્રમણ સાથે કાંઈપણ સંબંધ નથી, તો પણ કેવળભ્રાંતિથી તેમને એ જોવામાં આવે છે.
આ અવિદ્યારૂપ નદી અપાર છે.
તેમાં અનેક ફાટાઓમાં વહે છે, અનેક દેહોરૂપી મોજા તરે છે.
મૂઢ પુરુષો તેને તરી શકતાં નથી.
એ તરંગોમાં કેટલાક કુળથી, ક્રમથી અને મનના ગુણોથી સમાન હોય છે.
કેટલાંક અર્ધસમાન જ્યારે બાકીનાં સાવ જુદાં હોય છે.
તેમાં વ્યાસના દેહોરૂપી તરંગો યથાયોગ્ય જન્મથી શાસ્ત્ર વગેરે જ્ઞાનથી અને બ્રહ્મવિદ્યાથી સંયુક્ત હોય છે.
અત્યારનાં આ વ્યાસમુનિ બત્રીસમાં છે એવું મારું સ્મરણ છે.
એ વ્યાસોમાં બાર તો બ્રહ્મવિદ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિને પહોંચ્યા ન હતાં.
પણ કુળથી, આકારથી તથા પોતાની રીતભાતોથી સમાન હતાં.
દશ વ્યાસો સઘળી રીતે સમાન હતાં.
જ્યારે બાકીનાં વ્યાસો કુળ વગેરેમાં વિલક્ષણ હતાં.
હજી પણ વ્યાસ, વાલ્મીકિ, ભૃગુ, અંગીરા અને પુલસ્ય વગેરે અધિકારી પુરુષો ઘણાં થશે.બ્રહ્માનાં કલ્પમાં આ ત્રેતાયુગ બોત્તેરમો છે.
આવો ત્રેતાયુગ અગાઉ હતો અને હવે પછી પણ થશે.
તમે અને હું પણ એવાને એવા થઈશું કે બીજી રીતના પણ થઈશું.
દીર્ઘ વિચારવાળા આ વ્યાસનાં શરીરમાં જે જીવ છે.
તેને અનુક્રમથી આ દશમો અવતાર જોવામાં આવે છે.
આપણે અનેકવાર વ્યાસની તથા વાલ્મિકિની સાથે જન્મ્યા હતાં.
અનેકવાર અત્યંત જુદા જુદા કાળમાં પણ જન્મ્યા હતાં.
હજી આ વ્યાસને આઠ અવતાર ધરવાનાં છે અને તે અવતારોમાં તે ઈતિહાસ સહિત ભારત નામનાં ગ્રંથને રચશે.
ચારવેદનાં વિભાગ કરીને કુળને પ્રખ્યાત કરીને બ્રહ્માની પદવી ભોગવીને આ વ્યાસ છેવટે વિદેહમુક્તિ પામશે.
આમ આ માયા અંત વિનાની છે.
આવી સુષ્ટિઓમાં જે બ્રહ્મવેત્તા જીવનમુક્ત હોય, તે સમાહિત ચિત્તવાળો, ભેદની કલ્પનાઓથી રહિત, સ્વરૂપમાં જ નિષ્ઠાવાળો અને આવરણરહિત થઈને પરમશાંતિ અમૃતથી જ તૃપ્ત રહે છે.જીવનમુક્તિ - વિદેહમુક્તિજળમાં સ્થિર કે તરંગવાળા જળમાં જેમ જળપણું સરખું છે.
તેમ વિદેહમુક્ત અને જીવનમુક્તમાં મુક્તિપણું સરખું જ છે.
મુક્તિ તે વિષયોને આધીન નથી પછી ભલે તે વિદેહમુક્તિ હોય કે જીવનમુક્તિ.
જેઓ વિષયોનો ઉપભોગ જ કરતાં નથી તેમને વિષયોનાં રસનો બોધ ક્યાંથી હોય ? તેઓ બોધરૂપ જ હોય છે તેમાં કશો ભેદ નથી.
હે રામ \! તમે તો આત્માની દ્રવૈતાપણા રહિત એકતા પર જ ધ્યાન આપો.
આ સંસારમાં સર્વદા સર્વ પુરુષો સારી રીતે પુરુષાર્થ (ઉદ્યોગ) કરીને જ સઘળું પામે છે.
શાસ્ત્રોત કર્મો કરવાથી ચિત્તની શુદ્ધિ થાય છે, અને તેનાં દ્વારા જ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
જ્ઞાનપ્રાપ્તિ થવાથી શીતળ જીવન-મુક્તિનું સુખ ઉદય પામે છે.
તે ઉદ્યોગ વડે પુરુષાર્થથી જ પ્રાપ્ત થયા.
ક્રિયાથી ફળ આપનાર પુરુષાર્થ પ્રત્યક્ષ જોવામાં આવે છે.
પણ પ્રારબ્ધ પ્રત્યક્ષ જોવામાં આવતું નથી.
આથી પ્રારબ્ધ એ કાંઈ નથી એ તો આળસુ લોકોએ કલ્પી કાઢ્યું છે.
જે કાંઈ મહાત્માઓએ બતાવેલાં માર્ગથી જ કરવામાં આવે છે તેને જ સાચો પુરુષાર્થ સમજવો અને તે જ સફળ થાય છે.
શાસ્ત્રથી વિરૂદ્ધ પુરુષાર્થને ઉન્મતની ક્રિયારૂપ જ સમજવો.જે માણસ જે વસ્તુ ને ઈચ્છે છે તેને માટે યોગ્ય ક્રમથી યત્ન કર્યા કરે છે, તે વસ્તુ અવશ્ય પ્રાપ્ત થાય છે.
પૂર્વજન્મનો અને આ જન્મનો એમ પુરુષાર્થ બે પ્રકારનો છે.
તેમાં આ જન્મનાં પુરુષાર્થથી પૂર્વજન્મનાં પુરુષાર્થને તુરંત જીતી લેવાય છે.
યત્નવાળા, દૃઢ અભ્યાસવાળા અને ઘણાં ઉત્સાહવાળા અધિકારી પુરુષો (મેરુ) પર્વતોને પણ ઓળંગી જાય છે ત્યારે પુરુષાર્થ પુરુષો પૂર્વજન્મનાં પ્રરાબ્ધને ગાળી નાખે તેમાં તો કહેવું જ શું ?મનથી કેવળ ઈચ્છા કરવામાં આવે પણ શાસ્ત્ર પ્રમાણે પુરુષાર્થ કરીને સિદ્ધ કરવામાં ન આવે તો તે ઘેલાંપણું જ ગણાય, એથી પુરુષાર્થ સિદ્ધ થતો નથી પણ મોડું ઉત્પન્ન થાય છે.
પૂર્વજન્મનાં જે કર્મો ભોગ આપવા સજ્જ થયાં હોય તે જ પ્રારબ્ધ કહેવાય છે.
પ્રારબ્ધરૂપી કર્મોનું ખંડન આ જન્મનાં સત્કાર્યોથી કરી શકાય છે.
શાસ્ત્રને અનુસરતો અને શાસ્ત્ર વિરૂદ્ધ એમ બે પ્રકારનો પુરુષાર્થ છે.
તેમાં શાસ્ત્ર વિરૂદ્ધનાં પુરુષાર્થને જ અનર્થ થાય છે.
જો શાસ્ત્ર પ્રમાણે પુરુષાર્થ કરતાં પણ અનર્થની પ્રાપ્તિ થાય તો તે સમયે એ અનર્થ આપનારા પૂર્વજન્મના પુરુષાપ્રથને બળવાન સમજવો.
ત્યારે તો પ્રબળ ઉત્સાહ રાખીને દાંત પીસીને શુભ પુરુષાર્થ કરવામાં મંડયા રહેવું એટલે પછી વિઘ્ન પાડવા સજ્જ થયેલો પૂર્વજન્મનો અશુભ પુરુષાર્થ પણ હારી જ જાય છે. ‘મન પૂર્વજન્મનું પ્રારબ્ધ જ ચલાવે છે.
એવાં વિચારને તો પગતળ બળપૂર્વક ચાંપી જ દેવો જોઈએ.’ કારણ કે આ જન્મનાં પ્રત્યક્ષ પુરુષાર્થથી પૂર્વજન્મનો અપ્રત્યક્ષ પુરુષાર્થ કદી પ્રબળ થશે નહીં ? જ્યાં સુધી પૂર્વજન્મનો અશુભ પુરુષાર્થ પોતાની મેળે સંપૂર્ણ રીતે શાંત થાય નહીં, ત્યાં સુધી અત્યંત પુરુષાર્થ કરવામાં પ્રયત્નપૂર્વક મંડ્યા જ રહેવું.
જેમ ગઈકાલનું અજીર્ણ આજ કરેલાં ઉપવાસથી ટળી જાય છે, તેમ પૂર્વજન્મનો દોષ પણ આ જન્મમાં કરેલાં શુભ પુરુષાર્થથી નિસંદેહ ટળી જાય છે.
શ્રવણ, મનન વગેરે સાધનોનું સંપાદન કરવા ઉદ્યોગ કરવો.
પોતાનો દેહ નાશવંત છે એવો વિચાર નિત્ય રાખવો.
પશુ જેવું થવું નહીં. ‘અમને દૈવ જ ચલાવે છે.’ એવો નીચ વિચાર રાખે છે તે પુરુષોનું મોં જોઈને લક્ષ્મી પાછી જ વળી જાય છે.
ભારે યત્ન કરતાં પણ જેમ પથરામાંથી તેલ નીકળે નહીં તેમ અનંત યત્ન કરતાં પણ જેમ પથરામાંથી તેલ નીકળે નહીં તેમ અનંત યત્ન કરતાં પણ વિષયોમાંથી સુખ મળે જ નહિં માટે વિષયોને વાસ્તે નિષ્ફળ ઉદ્યોગ કરવો નહિ.
ગઈકાલે કરેલું પાપકર્મ જેમ આજે કરેલાં પ્રાયશ્ચિત વગેરે શુભ કર્મોથી તુરત જ પોતાનું ફળ આપવાને અશક્ત થઈ જાય છે.
તેમ પૂર્વ જન્મનું કર્મ પણ આ જન્મનાં કરેલ શુભકર્મોથી તુરત જ પોતાનું ફળ આપવાને અશક્ત થઈ જાય છે.
અનુક્રમથી મેળવેનું ધન નાશ પામે તેનો ખેદ કરવો નહિં.ત્યારે તો એમ વિચારવું કે જ્યાં મારું બળ ચાલી શકતું નથી ત્યાં હું શા માટે વિલાપ કરું ? જગતમાં સઘળા પદાર્થો દેશ, કાળ, ક્રિયા અને દ્રવ્યની સગવડ પ્રમાણે સિદ્ધ થાય છે.
એમા્ં જે અધિક યત્નવાળો છે તે અવશ્ય સિદ્ધિ મેળવે છે.
જે માણસ પ્રત્યક્ષ વાતને છોડીને ‘મને બીજો કોઈ પ્રેરે છે.’ એવી અનર્થરૂપ કુકલ્પનામાં લાગી રહે છે તેને દૂરથી તજી દેવો જોઈએ.જ્યારે હૃદયમાં ફળની આકાંક્ષા ઉત્પન્ન થાય છે ત્યારે ચિત્તને ઉદ્યોગ કરવાની ઈચ્છા થાય છે.
આમ ઈચ્છા થાય છે ત્યારે અંગો તેને અનુકુળ ક્રિયાઓ કરવામાં લાગી જાય છે.
આ પ્રમાણે ઈચ્છાપૂર્વક ક્રિયાઓમાં લાગવું એ જ પુરુષાર્થ અથવા ઉદ્યોગ કહેવાય છે.સમજુ પુરુષે ચિત્તનું એવું સમાધાન કરવું કે તેથી તેને ફરીવાર જન્મ ધરવો પડે નહિ.
અશુભ માર્ગોમાં લાગેલાં ચિત્તને પ્રયત્નપૂર્વક શુભ માર્ગોમાં ઉતારવું. ગુરુઓ પણ શિષ્યોને ઉપદેશ કરે છે કે ‘પુત્રો’ જે સર્વોત્કૃષ્ટ છે જે વાસ્તવિક સત્ય છે અને જે નિત્ય છે.
તેને પામવા માટે જ પ્રયત્નપૂર્વક આચરણ કરો.જે કર્મ છે તે વૃદ્ધિ પામેલી વાસના જ છે.
જે વાસના છે તે પોતાનાં કારણરૂપ મનથી જુદી નથી.
જે મન છે.
તે પરમાત્માનું જ રૂપાંતર હોવાથી પરમાત્મા જ છે.
હે રામ \! મન અનિર્વચનીય છે.
સત્પુરુષોએ તેના મન, ચિત્ત, વાસના, કર્મ, દૈવ અને નિશ્ચય એવાં નામો કહ્યાં છે.
અનેક નામોવાળો આત્મા જ નિત્ય દૃઢ ભાવનાથી જે યત્ન કરે છે.
તે પ્રમાણે સંપૂર્ણ ફળ આપે છે.
આ પ્રમાણે સઘળું પુરુષાર્થ થી જ પ્રાપ્ત થાય છે.
વાસનાને મનમાં શમાવવાથી અને મનને આત્મામાં શમાવવાથી જીવ કૃતાર્થ થાય છે.
માટે મુમુક્ષુએ સર્વ વાસનાઓને મનમાં શમાવી મનને આત્મામાં શમાવવું જોઈએ.તમે કેવળ ચૈતન્યરૂપ આત્મા છો.
જડરૂપ દેહ નથી જ.
જો તમારાથી ચૈતન્યરૂપ આત્મા જુદો હોય તો તે તમને જાણતો નથી.
એટલે તેને સર્વજ્ઞ કહેવાય નહીં.
આથી તમારો પ્રકાશ કરનાર બીજું કોઈ ચૈતન્ય છે જ નહીં.
તમે જ મૂળ ચૈત્યરૂપ છો.
જો તમને બીજો ચેતના આપતો હોય તો તેને ચેતના આપવા માટે ત્રીજો જોઈએ.
પછી તેને ચેતના આપવા કોઈ ચોથો એમ કરતાં જો અનવસ્થાદોષ (જેનો છેડો ન આવે એવી સ્થિતિ) આવી જાય અને તે દોષ મૂળને હાનિકારક છે.
આથી બળપૂર્વક તેને અશુભમાંથી અટકાવવું જોઈએ.
માણસનું ચિત્ત બાળક જેવું છે.
તેને અશુભમાંથી અટકાવીએ એટલે તે શુભમાં જાય છે.
ચિત્તને સમતારૂપી સાંત્વન આપીને નિર્દોષ કરવું પછી તેને સારા માર્ગે વાળવું.
તમે પૂર્વ અભ્યાસથી શુભ અથવા અશુભ ગમે તેવા સમૂહને દૃઢ કર્યો હોય, તો પણ હવે તો શુભ સમૂહ ને જ દૃઢ કરજો.
પુરુષાર્થનો આશ્રય કરીને તમે તમારા ચિત્તને એકાગ્ર કરો અને મારી આ વાત સાંભળો.અનંત વિલાસોનાં અધિષ્ઠાનરૂપ, સર્વનાં અંતર્યામી, સર્વનાં આધારરૂપ, અવિનાશી અને સર્વ પ્રાણીઓમાં અપરોક્ષ રીતે દીવાની પેઠે પ્રકાશતો એક ચૈતન્યરૂપી આત્મા છે.
તે નિર્વિકાર પરમાત્મામાંથી બ્રહ્માંડરૂપ વિરાટ પુરુષ ઉત્પન્ન થયો.
તેનાં હૃદયકમળમાંથી બ્રહ્મા પ્રગટ થયા.
તેમનાં સત્ય સંકલ્પથી જ સૃષ્ટિ ઉત્પન્ન થઈ પછી પુત્રનાં દુઃખ જોઈને પિતાને કરુણા આવે તેમ તેમને પણ કરુણા આવી અને લોકોનાં કલ્યાણ માટે જરાવાર એકાગ્રતાથી વિચારીને તપ, ધર્મ, દાન, સત્ય અને તીર્થો સજર્યા.
પરંતુ જણાયું કે આ સાધનોથી દુઃ ખનો અંત આવતો જ નથી.
ખરું સુખ તો મોક્ષ જ છે.
એ મોક્ષ જ્ઞાન થી જ મળે છે.
તેનો ઉપાય કરવા માટે પિતાશ્રી બ્રહ્માએ મને પ્રગટ કરી કહ્યું તારામાં અજ્ઞાન પ્રવેશો.
ત્યારે તૂર્તજ હું મારું નિર્મળ સ્વરૂપ ભૂલીને દુઃખ, શોકથી તપવા લાગ્યો.
ત્યારે મને કહ્યું પુત્ર તને શું થાય છે ? તું તારા દુઃખ અજ્ઞાન દુર કરવાનો ઉપાય પુછ ત્યારે મેં સર્વ લોકોનાં કર્તા ભગવાન બ્રહ્માને સંસારરૂપી વ્યાધિનાં ઔષધ વિષે પુછ્યું.
હે નાથ, જીવને શી રીતે આ મહાદુઃખમય સંસાર આવ્યો છે ? તે કેમ કરીને ક્ષય પામે ? એટલે બ્રહ્માજીએ મને ઘણું જ્ઞાન કહ્યું.
તે પવિત્ર જ્ઞાન જાણીને હું બ્રહ્માના અંતઃકરણમાંના ઉત્તમ તત્ત્વબોધને જાણીને નિર્મળ અને પરિપૂર્ણ થયો.
આમ જાણવાનું સઘળું જાણીને હું બ્રહ્માત્મક સ્થિતિને પામ્યો.
એટલે બ્રહ્માજી એ સઘળું કારણ કહ્યું ‘હે પુત્ર \! જ્ઞાનરૂપી સાર સઘળાં અધિકારી લોકોને મળે એટલા માટે મેં તને શાપ થી જ્ઞાનરહિત કરીને પુછનારો કર્યો હતો.
હવે તને જ્ઞાન થવાથી મારો શાપ શાંત થઈ ગયો છે.
હવે તું લોકો પર અનુગ્રહ કરવા ભરતખંડમાં જઈને કર્મકાંડમાં આશક્ત હોય તેને તારે કર્મકાંડના ક્રમથી બોધ કરવો અને વૈરાગ્યવાળા, ઝીણી વાતને સમજી શકે તેવા અને વિચારવાળાને તારે આનંદ આપનારા જ્ઞાનનાં ક્રમથી બોધ કરવો તેથી જ્યાં સુધી ભરતખંડમાં અધિકારી લોકો રહેશે ત્યાં સુધી હું પણ રહીશ.
આ સંસારમાં રહેવું જોઈએ એમ સમજીને હું શાંતવૃત્તિથી સંસારમાં છું.હે રામ \! આજે મોટા પુણ્યના ઉદયને લીધે તમારા ચિત્તને એ ઉત્તમ જ્ઞાન સાંભળવાની ઉત્કંઠા થઈ છે.રામ બોલ્યા : હે બ્રહ્નન્ \! મહાત્મા બ્રહ્મની બુદ્ધિ સૃષ્ટિ કર્યા પછી જગતમાં જ્ઞાન કેવી રીતે ઉતર્યું ? વશિષ્ટ બોલ્યાઃ જેમ સમુદ્રમાં મોજું ઉત્પન્ન થાય છે.
તેમ પરબ્રહ્મમાં વાસનાને લીધે નિરંતર ક્રિયા શક્તિવાળા પોતે બ્રહ્મા ઉત્પન્ન થયાં.
તેમણે સૃષ્ટિ સર્જી સાથે મને પણ તેનું અજ્ઞાન નિવારણ હેતુ અહીં ભરતખંડમાં જ્ઞાન આપીને આજ્ઞા કરી તેમજ સનતકુમારો અને નારદને પણ અન્ય ઘણાં ઘણાં મહર્ષિઓને પણ મોકલ્યાં.પૂર્વે સતયુગ ઉતર્યા બાદ પૃથ્વીમાં કાળક્રમને લીધે શુદ્ધ કર્મકાંડ સંકોચ પામી ગયો ત્યારે લોકોમાં આત્મજ્ઞાનનો પ્રચાર કરવા મેં અન્ય ઋષિઓ સહિત જ્ઞાનસંબંધી મોટા મોટા વિચારો પ્રકટ કરવા માંડ્યા.
આમ આત્મવિદ્યાનો પ્રચાર પ્રથમ રાજાઓમાં થયો અને પછી તે વિદ્યાનો લોકોમાં વિસ્તાર થયો.
એટલે એ ઉત્તમ આત્મજ્ઞાન રાજવિદ્યા અને રાજગૃહ્ય કહેવાયું.હે રાઘવ \! તમારા સ્વચ્છ મનમાં દુઃખનાં કોઈ કારણ વિના વૈરાગ્ય ઉત્પન્ન થયો.
કેટલાકને રજોગુણી વૈરાગ્ય થાય છે.
જેઓ વિવેકથી આ સંસારની રચનાનો વિચાર કરી વૈરાગ્ય પામે છે તેઓ ઉત્તમ ગણાય છે.
જગતનો બહારથી તથા મનથી સહસા ત્યાગ કરવો જોઈએ.
જેને વૈરાગ્ય પોતાનામાંથી ઉગે તે અત્યંત વખાણવા યોગ્ય જ છે તમે જ્ઞાનનાં સારને યોગ્ય જ છે.વેદાંતશાસ્ત્રનાં જાણકાર અને આત્મતત્ત્વનો સાક્ષાત્કાર પામનાર વિદ્વાનને ચિંતાઓ બાળી શકતી નથી.
આધિ, વ્યાધિ રૂપી ચકરીવાળા સંસારમાં તત્ત્વવેતા પુરુષ દૃઢતાથી રહે છે.
ભાગતો નથી.
તેથી બુદ્ધિમાન પુરુષે તત્ત્વ જાણવા માટે શ્રુતિ વગેરે પ્રમાણોમાં પ્રવિણ આત્મજ્ઞાનીને સેવાથી પ્રસન્ન કરીને સ્નેહપૂર્વક પુછવું.
આમ ઉત્તમ ચિત્તવાળા પ્રમાણિક વક્તાને પુછવું.
અને રંગવા નાંખેલું વસ્ત્ર જેમ કેસરના રંગ ને પકડે છે તેમ તેણે ઉપદેશકનાં વચનને યત્નપૂર્વક પકડવું.પ્રમાણિક અને આત્મવેત્તા વક્તા પુરુષને પુછ્યાં પછી જે માણસ તેના વચન પ્રમાણે યત્નપૂર્વક ચાલતો નથી તે અધમ છે.
આથી હું જે વાત કરું તે યથાર્થ જ છે એવો નિશ્ચય રાખીને તે વાતને તમારે હૃદયમાં અખંડ ધારણ કરી રાખવી.
જેમ સૂર્યની પ્રભા જળમાં પેસી જાય છે તેમ તે તમારી અંદર પ્રવેશી જશે.
હું જે જે કહું તે તમારે સ્વીકારવું અને એનો પ્રર્યત્નપૂર્વક હૃદયમાં ધરી લેવું.
સજ્જનના નિત્ય સમાગમથી જ વિવેક ઉત્પન્ન થાય છે.
અને ભોગ અને મોક્ષ બંને વિવેકરૂપી ઝાડનાં જ ફળ છે.